BREAKING NEWS

રાજકોટના સ્વિમર્સનું પોરબંદર નેશનલ સી સ્વિમિંગ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન

  • February 02, 2026 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં પોરબંદર ખાતે શ્રીરામ ક્લબ દ્વારા તા.૪ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ આયોજિત નેશનલ સી સ્વિમિંગ સ્પર્ધામાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વીમીંગ એસોસિએશનના ત્રણ પ્રતિભાશાળી સ્વિમર્સે નોંધપાત્ર સફળતા હાંસલ કરી હતી.

આ સ્પર્ધામાં ૧૦ કિલોમીટર સમુદ્ર તરણ સ્પર્ધામાં પાર્થિવ મેઘાણીએ ત્રણ કલાક ૨૬ મિનિટ ૧૬ સેકન્ડના સમયમાં સફળતાપૂર્વક નિર્ધારિત અંતર પૂર્ણ કર્યું હતું, જ્યારે દિવ્યે ચોટલીયાએ આ જ સ્પર્ધા ત્રણ કલાક ૩૫ મિનિટ ૪૯ સેકન્ડમાં પૂર્ણ કરી હતી.

આ ઉપરાંત ૧૫ કિલોમીટર ફિમેલ સમુદ્ર વીર સ્પર્ધામાં વેનેસા શુક્લાએ સમગ્ર ભારતમાંથી ત્રીજું સ્થાન મેળવી રાજકોટ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. વેનેસા શુક્લાએ આ કઠિન સ્પર્ધા પાંચ કલાક ૩૬ મિનિટ ૧૦ સેકન્ડમાં પૂર્ણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે વેનેસા શુક્લા અગાઉ પણ વર્ષ ૨૦૨૨માં દ્વારિકાથી સોમનાથ ૨૫૨ કિ.મી. સમુદ્ર તરણ એક્સપિડિશનમાં તેમજ ચોરવાડથી વેરાવળ આશરે ૨૯ કિ.મી. સમુદ્ર તરણ સ્પર્ધામાં ભાગ લઈ ચૂકી છે.

આ સફળતા બદલ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા દ્વારા તમામ સ્વિમર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યએ બાળકોને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, સમુદ્ર તરણ જેવી કઠિન રમત શિસ્ત, આત્મવિશ્વાસ અને સહનશક્તિ વિકસાવે છે અને આવા ખેલાડીઓ ગુજરાતનું નામ ઉજાગર કરે છે.

આ તમામ સ્વિમર્સ આગામી તા.૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬થી શરૂ થનારી સોમનાથથી દેલવાડા ૧૫૦ કિલોમીટર સમુદ્ર તરણ એક્સપિડિશનમાં ભાગ લેવા જઈ રહ્યા છે. આ એક્સપિડિશન તા.૨ માર્ચ ૨૦૨૬ સુધી યોજાનાર છે, જેમાં ગુજરાતના દરિયાકાંઠે દીર્ઘકાળીન સમુદ્ર તરણ કરવામાં આવશે.આ સમુદ્ર તરણ અભિયાનનો મુખ્ય હેતુ રમતગમતને પ્રોત્સાહન આપવો, યુવાનોમાં ફિટનેસ અને માનસિક દ્રઢતા વિકસાવવી, તેમજ મરીન સેફ્ટી અંગે જનજાગૃતિ, આપણા દરિયા કિનારાના ધાર્મિક સ્થળો અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે.

આ અભિયાનને સફળ બનાવવા રાજકોટ ડિસ્ટ્રીક સ્વિમિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ તથા પૂર્વ મંત્રી ઉમેશભાઈ રાજ્યગુરુ, એસોસિએશનના અન્ય હોદ્દેદારો દિનેશભાઈ હપાણી, નીરજભાઈ દોશી, પ્રકાશભાઈ કલોલા રાજકોટ મહાનગરપાલિકાના કોચ તેમજ એસોસિએશનના સેક્રેટરી બંકિમભાઈ જોશી તથા અમિતભાઈ સોરઠીયા તેમજ નિલેશભાઈ રાજ્યગુરુ જહેમત ઉઠાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application