રાજકોટ મહાપાલિકા દ્વારા લગભગ એક દાયકા બાદ રેસકોર્સનું રિનોવેશન કરવાનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે અને ટૂંક સમયમાં આ અંગેનું ટેન્ડર પ્રસિધ્ધ કરી સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મળ્યેથી કામ શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. મહાપાલિકાની ચૂંટણીને હવે માંડ ત્રણથી ચાર મહિના બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી વર્ષમાં રાજકોટવાસીઓને નવી ભેટ મળશે તે નક્કી છે. અલબત્ત આ બજેટરી પ્રોજેક્ટ ન હોય આ માટે સરકાર તરફથી અલાયદી નાણાંકીય જોગવાઇ કરવાની રહેશે.
ટૂંક સમયમાં રેસકોર્સનું રિનોવેશન હાથ ધરાશે
વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા રાજકોટ શહેરમાં ત્રણ નવીનત્તમ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે જેમાં સ્માર્ટ સિટી એરિયામાં લાઇટ હાઉસ પાસે મેટ્રો સિટીની પીજીને ટક્કર મારે તેવી વર્કિંગ વુમન્સ હોસ્ટેલ, મહાપાલિકાના તમામ પ્રોજેક્ટ્સ સમયસર શરૂ અને સમયસર પૂર્ણ થાય તે માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટની સ્થાપના તેમજ રેસકોર્સનું રિનોવેશન સમાવિષ્ટ છે. વર્કિંગ વુમન્સ હોસ્ટેલનું ટેન્ડર પ્રસિધ્ધ થઇ ચૂક્યું છે, પીએમયુની સ્થાપના બાદ તેના મહેકમ માટે ૩૫ ઇજનેરોની ૧૧ માસના કોન્ટ્રાક્ટ બેઝથી ભરતી કરવાની પ્રક્રિયાને મંજૂરી મળી છે. હવે ટૂંક સમયમાં રેસકોર્સનું રિનોવેશન હાથ ધરાશે તેમ જાણવા મળે છે. રેસકોર્સ રિનોવેશન પ્રોજેક્ટનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી તેની દરખાસ્ત સહિતની કોઇ પ્રક્રિયા હાથ ધરાઇ નથી.
૨૦૧૫ પછી કોઇ ખાસ ફેરફારો કરવામાં આવ્યા નથી
રાજકોટવાસીઓના હૃદય સમા રેસકોર્સમાં લગભગ ૨૦૧૫ પછી કોઇ ખાસ ફેરફારો કે નવીનીકરણ કરવામાં આવ્યું નથી. ૨૦૧૧થી ૨૦૧૩ના સમયગાળામાં રેસકોર્સમાં બાસ્કેટ બોલ, ફૂટબોલ, ટર્ફ હોકી સહિત રમત ગમતના મેદાનોનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું હતું, જ્યારે ૨૦૧૪ અને ૨૦૧૫માં એથ્લેટિક ટ્રેકનું નિર્માણ કરાયું હતું. જ્યારે ૨૦૧૫ પછી તબક્કાવાર જેમ જરૂરિયાત જણાય તેમ હોકી અને ફૂટબોલ ગ્રાઉન્ડમાં પ્રેક્ષકો બેસીને મેચ નિહાળી શકે તે માટે વ્યૂઇંગ ગેલેરીનું નિર્માણ, ઇન્ડોર સ્ટેડિયમનું રિનોવેશન કરાયું હતું.
બરોડાથી પ્રેરિત થઇ રેસકોર્સમાં ફ્લાવર શો યોજાયો
બરોડાથી પ્રેરિત થઇ રેસકોર્સમાં ફ્લાવર શો યોજાયો ત્યારબાદ પુષ્પ ગલીનું નિર્માણ કરાયું, રાજ્ય સરકારના આઈ કેચિંગ પ્રોજેક્ટ અંતર્ગત મળેલી ગ્રાન્ટમાંથી રેસકોર્સની ગ્રિલ બદલાઇ, રેસકોર્સ રિંગ રોડ ઉપર ડેકોરેટિવ લાઈટિંગ જેવા ફેરફારો સમયાંતરે થતા રહ્યા. ત્યારબાદ તાજેતરમાં રેસકોર્સ સ્વિમિંગ પૂલનું રિનોવેશન અને છેલ્લે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. અલબત્ત આ પ્રકારનું નવીનીકરણ અને ફેરફારો રમત ગમતના મેદાનોને લગતા છે પરંતુ રેસકોર્સ ગાર્ડન સહિત સમગ્ર સંકુલનું રિનોવેશન છેલ્લા એક દાયકા દરમિયાન થયું નથી, હવે ફ્ક્ત રંગ રોગાન કે ડેકોરેશન કે વૃક્ષારોપણ નહીં પરંતુ રેસકોર્સ સંકુલમાં સમયને અનુરૂપ આધુનિક એવા નવા આકર્ષણો ઉમેરાશે.