BREAKING NEWS

ભાવ આસમાને પહોંચતા રાજકોટનો ચાંદી ઉદ્યોગ મંદીના ભરડામાં, દોઢ લાખ કારીગરો બેકાર બન્યા

  • January 19, 2026 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે ચાંદીના ભાવ 3 લાખને પાર જ્યારે સોનાના રૂ.1,45,000ની સર્વોચ્ચ સપાટી વટાવી ચૂક્યા છે. ચાંદીના ભાવ વધારાના કારણે રાજકોટની ચાંદી બજારમાં કોરોનાકાળ જેવી મંદી પ્રવર્તી રહી છે. સોના અને ચાંદી બંને ધાતુના ભાવ એક તરફ આસમાન આંબી રહ્યા છે ત્યારે આસમાને પહોંચતા ભાવથી ચાંદી બજારને મંદીનું ગ્રહણ લાગ્યું છે. રાજકોટ શહેરમાં એક તરફ ચાંદીના અંદાજે 50થી વધુ વેપારીઓના ઉઠામણાની ચર્ચા થઈ રહી છે. વૈશ્વિક રાજકીય હલચલ વચ્ચે ચાંદીના ભાવો માઝા મૂકી રહ્યા છે, રોજબરોજ ચાંદીના ભાવમાં આવતા ઉછાળાના કારણે ચાંદી બજાર સાથે સંકળાયેલા દોઢ લાખથી વધુ કારીગરોની રોજી રોટી છીનવાઈ ગઈ છે. ચાંદી અને સોના બજારમાં હાથ બનાવટ સાથે સંકળાયેલા વેપારીઓ, કારીગરો, હીરા જડતા કારીગરો તમામ ભયંકર મંદી અનુભવી રહ્યા છે. જેથી રાજકોટનો ચાંદી ઉદ્યોગ મૃતપાય અવસ્થામાં પહોંચી ગયો છે.


ચાંદીના 1,200 ખાતાઓ દ્વારા મળતી રોજગારી બંધ

રાજકોટ સિલ્વર મેન્યુફેક્ચર એસોસિએશનના પ્રમુખ અલ્પેશભાઈ લુણાગરિયાએ જણાવ્યું હતું કે રાજકોટનો ચાંદી ઉદ્યોગ દેશભરના બે થી 2.5 લાખ લોકોને રોજગારી આપતો હતો. તો રાજકોટના 20 કિલોમીટર સુધીના વિસ્તારો જેવા કે ભીચરી, કુવાડવા, માલીયાસણ, મહિકા અને ટંકારા સુધીમાં રાજકોટની ચાંદી ઘરે રોજગારી પૂરી પાડવા કારીગરો સુધી પહોંચતી હતી. જ્યાં મહિલાઓ તથા અન્ય કારીગરો ઘરે બેસીને રોજી રોટી કમાતા આવ્યા છે. પરંતુ છેલ્લા છ મહિનાથી તેઓની રોજગારી છીનવાઈ રહી છે. સિલ્વર મેન્યુફેક્ચર એસોસિયેશનના ચોપડામાં ચાંદીના ધંધાર્થીઓના 1200 ખાતા રજીસ્ટર છે. જે તમામમાં એક ખાતામાં અંદાજે 10 થી વધુ કારીગરો કાર્યરત હોવાથી હાલ દોઢ લાખ જેટલા કારીગરોને મળતી રોજગારી છીનવાઈ ગઈ છે.


ઉત્પાદન ઘટીને 500 કિલોગ્રામ થયું

રાજકોટમાંચાંદી સાથે સંકળાયેલા વેપારીઓને પેમેન્ટ આવતા અટકી ગયા છે. માલ પહેલા કરતા ખૂબ જ ઓછો વેચાય છે. જેના કારણે ચાંદીના ઉત્પાદનમાં ભારે ઘટાડો થયો છે. ચાંદી સાથે સંકળાયેલા ધંધાર્થીઓના પેમેન્ટ અટકી પડતા તેઓના ધંધાને માંથી અસર થઈ રહી છે. રાજકોટના ચાંદીના ધંધાર્થીઓ દ્વારા સામાન્ય ભાવ વખતે દૈનિક 2500 થી 3000 કિલો પાર્સલ નિકાસ કરવામાં આવતા હતા. તેના સ્થાને હાલ માત્ર 500 કિલો જેટલી ચાંદીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે કારીગરો માટે રોજગારીનું નિર્માણ કરવું શક્ય બનતું નથી. આથી કેટલાક લોકો સમજી શુક્ર ખાતા ચાલુ રાખે છે તો કેટલાક લોકો અઠવાડિયામાં બે દિવસ રજા રાખે છે.


ટ્રમ્પના ટેરિફ વોર અને જીયો પોલિટિકલ ઇફેક્ટ

ચાંદીના ભાવ વધારામાટે યુદ્ધની સ્થિતિ, સરકારી બેંકોની ખરીદી, વિશ્વના રોકાણકારોનું મોટું ફંડિંગ અને સટ્ટા ખોરો જવાબદાર છે. સોલારમાં ચાંદીનું માત્ર મિલીગ્રામ જેટલું પડ ચડે છે, તો ઈલેક્ટ્રીક વિહિકલમાં 15-17 ગ્રામના બદલે 25 થી 30 ગ્રામ ચાંદી વપરાય છે. તેના કારણે નહીં પરંતુ અમેરિકન સરકાર ટ્રમ્પ દ્વારા ટેરિફ વોર અને જીઓ પોલિટિકલ ઈફેક્ટના કારણે સોના અને ચાંદીના ભાવો આસમાને પહોંચી રહ્યા છે. આવું જ કંઈક જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના પ્રમુખ મયુરભાઈ આડેશરા જણાવે છે. તેમના જણાવ્યા પ્રમાણે સોનામાં લગ્નગાળાના કારણે થોડી ખરીદી થાય છે. પરંતુ ચાંદીમાં થતી ખરીદી સદંતર બંધ થઈ ગઈ છે. વર્તમાન સ્થિતિને જોતા સોની બજારના વિશ્લેષકો જણાવે છે કે પહેલા જેવા સોના અને ચાંદીના ભાવમા રોજબરોજ એકવાર 40 ટકા વધીને બે થી ચાર ટકા ઘટાડો જરૂર થાય છે, પરંતુ નજીકના ભવિષ્યમાં પહેલા જેવા ભાવ થવાની સંભાવના દેખાતી નથી. તે જોતા આગામી દિવસોમાં સોના-ચાંદી બજારમાં ભયંકર મંદી પ્રવર્તી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application