બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવ 9 કરોડ રૂપિયાનું કરજ ન ચૂકવવાના કેસમાં હાલ દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. 5 ફેબ્રુઆરીએ તેમણે કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. જોકે, રાજપાલ યાદવ જેલમાં ગયા ત્યારથી જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો તેમને ટેકો આપી રહ્યા છે. આ કડીમાં હવે ભારતનો સ્ટાર બોક્સર વિજેન્દર સિંહ પણ જોડાયો છે.
બોક્સર વિજેન્દર સિંહની મોટી જાહેરાત
વિજેન્દર સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ દ્વારા જાહેરાત કરી છે કે તેઓ રાજપાલ યાદવની મદદ કરશે અને તેમને પોતાની આગામી ફિલ્મમાં કાસ્ટ કરશે. વિજેન્દરે લખ્યું કે, "હું સાચા ટેલેન્ટનું સન્માન કરું છું. રાજપાલ યાદવે ભારતીય સિનેમાને ઘણું યોગદાન આપ્યું છે."
વિજેન્દરે વધુમાં ઉમેર્યું કે, "તેમણે પોતાના અદભૂત પાત્રો દ્વારા વર્ષો સુધી આપણા ચહેરા પર સ્મિત જાળવી રાખ્યું છે. હું રાજપાલ યાદવજીને મારી આગામી ફિલ્મનો ભાગ બનવા માટે આમંત્રણ આપું છું, જેના લેખક-નિર્દેશક સંજય સંજુ સૈની છે. અત્યારે અમારો ઉદ્દેશ્ય તેમને પૂરો સહયોગ આપવાનો છે."

રાજપાલને સેટ પર જોવા માટે ઉત્સુક દિગ્દર્શક
વિજેન્દ્ર સિંહની પોસ્ટ પર તેમની આગામી ફિલ્મના દિગ્દર્શક સંજય સંજુ સૈનીનો પણ પ્રતિભાવ મળ્યો. તેમણે લખ્યું, "અમને રાજપાલ યાદવ સરને અમારા સેટ પર જોવાનું ગમશે. આભાર વિજેન્દ્ર સિંહ ભાઈસાબ. આ સપોર્ટ ફક્ત રાજપાલ યાદવ સરના જીવનને જ નહીં પરંતુ અમારી ફિલ્મને પણ ઉન્નત બનાવશે. ભાઈસાબ તમારો ખૂબ ખૂબ આભાર."