સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના નેતા અને આપ કિસાન સેલના આગેવાન રાજુ કરપડાએ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા તેમના રાજીનામા બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.
રાજુ કરપડાએ પોતાના સંદેશમાં લખ્યું કે તેઓ પાર્ટીને મજબૂત બનાવવા માટે પરિવાર કરતાં પણ વધુ સમય અને મહત્ત્વ આપતા રહ્યા, પરંતુ હવે તેઓએ રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. મારો નિર્ણય તમને ચોકાવશે, પરંતુ કુદરતે અહીંયા સુધીનો જ સાથ લખ્યો હતો, એમ તેમણે જણાવ્યું હતું. સાથે જ પાર્ટીના રાષ્ટ્રીય અને પ્રદેશ નેતૃત્વ તેમજ ખેડૂત સાથીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
રાજુ કરપડા છેલ્લા કેટલાંક મહિનાઓથી બોટાદના હડદડ ગામે યોજાયેલી ખેડૂત મહા પંચાયત અને કડદા પ્રથા વિરુદ્ધના આંદોલનને લઈને ચર્ચામાં રહ્યા હતા. 12 ઑક્ટોબર, 2025ના રોજ યોજાયેલી આ પંચાયતને લઈને પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસના જણાવ્યા મુજબ કાર્યક્રમ મંજૂરી વિના યોજાયો હતો અને પરિસ્થિતિ બેકાબૂ બનતા પથ્થરમારો થયો, જેને કાબૂમાં લેવા ટિયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો.
આ ઘટનામાં પોલીસે 85 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. બાદમાં કડદા પ્રથા બંધ કરવાની માંગ સાથે આમરણ ઉપવાસની જાહેરાત દરમિયાન 16 ઑક્ટોબરે રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ કરવામાં આવી હતી. ચાર મહિના જેલવાસ બાદ 29 જાન્યુઆરી, 2026ના રોજ ભાવનગર ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા બંનેને જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. હાલ રાજુ કરપડાના રાજીનામા બાદ સ્થાનિક રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
રાજુ કરપડાના રાજીનામાંથી સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. સૌરાષ્ટ્રમાં આપની પકડ ધીમે ધીમે મજબૂત બની રહી હતી અને ઇટાલિયાની વિસાવદર જીત બાદ કડદાપ્રથા સામે મોટું આંદોલન થયું હતું, જેથી ખેડૂતો આપ તરફ ઢળવા લાગ્યા, પણ અચાનક જ રાજુ કરપડાના રાજીનામાં બાદ પાર્ટી સૌરાષ્ટ્રમાંથી પોતાની પકડ ગુમાવશે એ વાત નક્કી છે.
ઇટાલિયાને વિવાસદર બેઠક પર ટિકિટ મળી એ સમયથી જ રાજુ કરપડા તેમની સાથે રહ્યા અને મહેનત કરી હતી.
રાજુભાઈની કઈ મજબૂરી હશે એના વિશે હાલ કોઈ જાણકારી નથીઃ ગોપાલ ઈટાલિયા
આ અંગે આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે રાજુભાઇ કરપડાએ ખેડૂતોના પ્રશ્નોને લઈને હંમેશાં મજબૂત લડત ચલાવી હતી. હડદડ ખાતે યોજાયેલા આંદોલનમાં હજારો ખેડૂતો એકત્રિત થયા હતા અને કડદાપ્રથા બંધ કરાવવાનો ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો હતો. માત્ર એટલું જ નહીં, ગુજરાતભરની એપીએમસીમાં ચાલી રહેલી લૂંટ અને ભ્રષ્ટાચાર સામે પણ જંગ જાહેર કરવામાં આવ્યો હતો. આંદોલન બાદ ભાજપ સરકાર દ્વારા ખેડૂતો અને ખેડૂત નેતાઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત આશરે 85 જેટલા ખેડૂત અને આગેવાનો સામે ખોટા કેસ દાખલ કરીને તેમને જેલમાં નાખવામાં આવ્યા હતા. તેમ છતાં ખેડૂતો અને આગેવાનો અડગ રહ્યા અને તેમનો સંઘર્ષ ચાલુ રહ્યો. રાજુભાઈની કઈ મજબૂરી હશે એના વિશે હાલ કોઈ જાણકારી નથી, પરંતુ તેમણે ખેડૂતોને ન્યાય મળે, ખેડૂતોને સારા ભાવ મળે અને ભાજપ જે લૂંટ ચલાવે છે એને લઈને તેમણે ખૂબ જ આંદોલન કર્યા. એના કારણે આમ આદમી પાર્ટી અને ખેડૂતોનું રાજુભાઈને ખૂબ જ સમર્થન રહ્યું હતું.