BREAKING NEWS

રાજકોટ જિલ્લામાં રાશનકાર્ડ ઈ-કેવાયસીની કામગીરી ૯૮.૧૫ ટકા પૂર્ણ; કલેક્ટરનું જરૂરી માર્ગદર્શન

  • July 18, 2026 03:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાજકોટ શહેર-જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તેમજ પ્રધાનમંત્રી પોષણ યોજનાની જિલ્લાકક્ષાની સ્ટીયરિંગ કમ મોનીટરિંગ કમિટીની સંયુક્ત બેઠક અને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં નાગરિક પુરવઠા અને પોષણ સંબંધિત વિવિધ યોજનાઓની તાલુકાવાર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સંકલનમાં લોકપ્રતિનિધિઓ તરફથી વિવિધ પ્રશ્નો રજૂ થયા હતા જેનો નિકાલ કરવા કલેકટરે સૂચના આપી હતી.

બેઠક દરમિયાન રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩, આવશ્યક ચીજવસ્તુઓના જથ્થા, પુરવઠા અને વિતરણ, 'વન નેશન, વન રાશન કાર્ડ' યોજના, વાજબી ભાવની દુકાનોની તપાસ, રાશન કાર્ડ ઈ-કેવાયસી તથા સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી સહિતના મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરએ ખાસ કરીને વાડી વિસ્તાર સુધી પણ રાશનકાર્ડનો લાભ અસરકારક રીતે પહોંચે તે માટે અધિકારીઓને સૂચના આપી હતી. જિલ્લા પુરવઠા અધિકારી અજય ઝાપડાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં રાશન કાર્ડ ઈ-કેવાયસીની કામગીરી ૯૮.૧૫ ટકા પૂર્ણ થઈ ગઈ છે. પ્રધાનમંત્રી પોષણ યોજનાની સમીક્ષા દરમિયાન તેમણે જણાવ્યું હતું કે બાળકોના આરોગ્ય અને સ્વચ્છતાને પ્રાથમિકતા આપતાં 'સ્વચ્છ હાથ, પોષણ સાથ' પહેલ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત રસોઈયાઓને હેન્ડ ગ્લવ્ઝ, કેપ અને એપ્રન આપવામાં આવશે. બેઠકમાં મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના, મધ્યાહન ભોજન યોજના, સ્કૂલ ન્યુટ્રીશન કિચન ગાર્ડન, નવા ભોજનશેડના બાંધકામ, કિચન-કમ-સ્ટોરના નિર્માણ અને સમારકામ, ડાઇનિંગ ટેબલની વ્યવસ્થા, અધિકારીઓની રૂબરૂ તપાસ તેમજ તાલુકાકક્ષાએ તિથી ભોજન અને લોકભાગીદારી જેવા મુદ્દાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ ખાનગી કંપનીઓના સહયોગથી પોષણ યોજનાઓને વધુ મજબૂત બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં ધારાસભ્યો ડૉ. દર્શિતા શાહ અને રમેશ ટીલાળા, જિલ્લા પંચાયત પ્રમુખ સંજય પીપળીયા, પૂર્વ સાંસદ રમાબેન માવાણી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ફરિયાદ સંકલન બેઠકમાં ધારાસભ્ય ટીલાળાએ પી.જી.વી.સી.એલ.ના વોટ્સએપ ફરિયાદ નંબર, લગ્ન બાદ આધારકાર્ડમાં નામ સુધારવામાં થતા પ્રશ્નો, શાપર સી.એચ.સી.માં સ્ટાફની ઘટ સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. જેના જવાબમાં જણાવાયું હતું કે, પી.જી.વી.સી.એલ.ના વોટ્સએપ ફરિયાદ નંબરમાં મેટા સાથે કેટલીક પોલિસીને લગતા પ્રશ્નો છે, જેને હલ કરવાની પ્રક્રિયા ચાલુ છે. આધારકાર્ડ અપડેટ માટે બારકોડવાળા સર્ટિ. સિવાયના પ્રમાણપત્રોની ઓથેન્ટિસિટી ચકાસીને તેને અપડેટ કરવા માટેની વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી હતી. આ સાથે શાપર સી.એચ.સી.માં દર બુધવારે દર્દીઓની વધુ ભીડ રહેતી હોવાથી ત્યાં વધારાના ડોક્ટર સહિતનો સ્ટાફ મૂકવાની સૂચના કલેક્ટરશ્રી દ્વારા આપવામાં આવી હતી. ડૉ. દર્શિતાબહેન શાહે વોટસન મ્યુઝિયમ રિનોવેશન, આઈ.ટી. પાર્ક., પી.ડબલ્યુ.ડી.ના જર્જરિત ક્વાર્ટર્સ સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. જેના જવાબમાં જણાવાયું હતું કે, વોટસન મ્યુઝિયમના ડિઝાઈનિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ફાઈનલ પ્રોજેક્ટ ગાંધીનગર મોકલી આપવામાં આવ્યો છે. રાજકોટમાં આઈ.ટી. પાર્ક માટે રૈયા સ્માર્ટસિટીમાં ૧૦ હજાર ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી છે. આ બેઠકમાં મંત્રી કુંવરજી બાવળીયા તથા ધારાસભ્ય મેઘજી ચાવડા તરફથી આવેલા પ્રશ્નો ચર્ચામાં લેવામાં આવ્યા હતા. ક્લેક્ટરએ તમામ અધિકારીઓને કચેરીમાં વીજ બચત કરવા જરૂરી તમામ પગલાં લેવા, કચેરીના શિષ્ટાચારનું પાલન કરવા, સ્વચ્છતા જાળવવા સૂચના આપી હતી. બેઠકમાં રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર, ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઈ, ડી.આર.ડી.એ. એ.કે. વસ્તાણી, નિવાસી અધિક કલેક્ટર જે.એચ. બારોટ તેમજ વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application