જામનગર: સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ઇન્ટર હાઉસ વોલીબોલ ચેમ્પિયનશિપ ૨૦૨૬–૨૭નું સફળ સમાપન
જામનગર સ્થિત સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે હાલમાં ઇન્ટર હાઉસ વોલીબોલ ચેમ્પિયનશિપ ૨૦૨૬–૨૭નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ચેમ્પિયનશિપમાં શાળાના તમામ છ સિનિયર હાઉસના કેડેટ્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર ટુર્નામેન્ટ લીગ-કમ-નોકઆઉટ પદ્ધતિ મુજબ યોજાઈ હતી.
ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ શિવાજી હાઉસ અને સરદાર પટેલ હાઉસ વચ્ચે રમાઈ હતી, જે ખૂબ જ રોમાંચક અને સ્પર્ધાત્મક રહી હતી. બંને ટીમોએ ઉત્તમ ટીમવર્ક, કૌશલ્ય અને રમતિયાળ ભાવનાનું પ્રદર્શન કર્યું હતું. અંતે શિવાજી હાઉસે ૨–૧ થી વિજય મેળવી શિવાજી હાઉસે ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. સમગ્ર મેચ દરમિયાન બંને ટીમોના ઉત્કૃષ્ટ પ્રદર્શનને દર્શકોએ તાળીઓના ગડગડાટથી વધાવ્યો.
સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અજેય પ્રદર્શન કરતાં શિવાજી હાઉસે સતત ત્રીજા વર્ષે ઓવરઓલ ઇન્ટર હાઉસ વોલીબોલ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો. શિવાજી હાઉસના કેડેટ જયરાજ પંવારે ચેમ્પિયનશિપના 'શ્રેષ્ઠ ખેલાડી'નો એવોર્ડ મેળવ્યો હતો, જ્યારે કેડેટ ઓમ ફલદુને તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ 'શ્રેષ્ઠ ઉભરતા ખેલાડી' તરીકે સન્માનિત કરવામાં આવ્યો.
ચેમ્પિયનશિપના સમાપન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે સૈનિક સ્કૂલ બાલાચડીના કાર્યકારી આચાર્ય કમાન્ડર હરિ રામ પુનિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે વિજેતા ટીમને ચેમ્પિયનશિપ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. પોતાના સંબોધનમાં તેમણે વિજેતાઓ તેમજ તમામ સહભાગી કેડેટ્સને તેમના સમર્પણ, શિસ્ત અને ઉત્તમ રમતિયાળ ભાવના બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સતત પ્રયત્ન, અનુશાસન અને ટીમવર્ક જ સફળતાની સાચી ચાવી છે તથા ચેમ્પિયનશિપના વિજયમાં દરેક હાઉસના દરેક કેડેટનું યોગદાન સમાન રીતે મહત્વપૂર્ણ છે. તેમણે કેડેટ્સને રમતગમતની સાથે જીવનના દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા સતત પ્રયત્નશીલ રહેવા પ્રેરણા આપી હતી.
વોલીબોલ રમતનું સંપૂર્ણ આયોજનની જવાબદારી શિક્ષક ધાર્મિક જાની, ટી.જી.ટી. (વિજ્ઞાન)એ સફળતાપૂર્વક નિભાવી હતી. જ્યારે સીએચએમ આનંદ દુબે અને સીએચએમ મનવીર ભંડારી સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન રેફરી તરીકે ફરજ બજાવી હતી.
સમાપન સમારોહમાં શાળાના વાઇસ પ્રિન્સિપાલ સ્ક્વોડ્રન લીડર રાકેશ તિવારી, સ્ટાફના સભ્યો તથા મોટી સંખ્યામાં કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમ ટીમવર્કની ભાવના અને શ્રેષ્ઠ રમતગમતમાટે પ્રેરણાદાયી રહ્યો.