જામનગર જિલ્લા વિકાસ અધિકારી નિશાના અધ્યક્ષ સ્થાને ‘જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ’ની બેઠક યોજાઈ
ધારાસભ્યો દ્વારા રજૂ કરાયેલા જનકલ્યાણલક્ષી પ્રશ્નોનો હકારાત્મક અને ત્વરિત નિકાલ લાવવા તમામ વિભાગોને તાકીદ કરતા જિલ્લા વિકાસ અધિકારી
જામનગર તા.૧૮, કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારી નિશાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા અને હેમંતભાઈ ખવા દ્વારા લોકાભિમુખ અને જનકલ્યાણલક્ષી વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
રજૂ થયેલા તમામ પ્રશ્નો અને પ્રજાકીય સમસ્યાઓનો હકારાત્મક તેમજ સમયમર્યાદામાં ત્વરિત નિકાલ લાવવા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.
આ સમીક્ષા બેઠક દરમિયાન જિલ્લાના વિકાસ કાર્યો અને આંતરમાળખાકીય સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. જેમાં માર્ગ અને મકાન વિભાગ, સિંચાઇ વિભાગ તેમજ પંચાયતના વિવિધ વિકાસલક્ષી કામોના ટેન્ડરની હાલની સ્થિતિ, રસ્તાના કામો, નવા પુલિયા અને માઇનોર બ્રિજના કામો પૂર્ણ કરવા, કોઝવેના ધોવાણ અને ચોમાસા દરમિયાન ડેમનું પાણી ભરાઈ જવાના કારણે રસ્તાના ધોવાણ અંગેના પ્રશ્નોની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત વાગડિયા જળ સિંચાઇ યોજનામાં ડૂબમાં ગયેલા આસામીઓને પ્લોટ ફાળવણી અને રહેણાંકના મકાનની વ્યવસ્થા કરવા તથા ચેકડેમની ગુણવત્તા બાબતે પણ જરૂરી ચર્ચા કરાઈ હતી.
સમિતિ સમક્ષ પીવાના શુદ્ધ પાણીના વિતરણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા બાબતે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. જેમાં ગ્રામ્ય સ્તરે પાણીનો સંપ દરરોજ ભરવા, નિયમિત અને ચોખ્ખા પાણીનું વિતરણ કરવા, પાણીની પાઇપ લાઇન ખસેડવા, નર્મદાની નવી લાઇન નાખવા તેમજ લાઇનના વળતર ચુકવણા અંગેના પ્રશ્નો હાથ ધરાયા હતા.
આ સાથે જ ઊર્જા વિભાગને લગતા પ્રશ્નો જેવા કે ખેતીવાડીના નવા વીજ કનેક્શન, ટી.સી. માંથી લાઇન ડિવાઇડ કરવી, કોમન પ્લોટમાં લાઇટ કનેક્શન આપવા, લો-વોલ્ટેજ અને વીજ ફોલ્ટની સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવવા અને ખેડૂતોને મીટર આપીને કનેક્શન આપવા અંગે વહીવટી પ્રક્રિયા વેગવંતી કરવા જણાવાયું હતું. ગૌચર જમીનમાં ટ્રાન્સમીશન લાઇનના પોલ ઊભા કરવા તેમજ ખેતરમાંથી પસાર થતી ટ્રાન્સમીશન લાઇનનું વળતર ચૂકવવા બાબતે પણ પરામર્શ કરાયો હતો.
બેઠકમાં મહેસૂલ અને જમીન સુધારણાને લગતી બાબતો જેવી કે રી-સર્વે પ્રમોલગેશન બાદની ક્ષતિઓ સુધારવી, પ્રોપર્ટી કાર્ડની વહીવટી કામગીરી, જમીન પરના દબાણો ખુલ્લા કરાવવા, બોજા મુક્તિની નોંધ નાખી આપવી, ગૌચર માટે જમીન ફાળવણી, ખાલસા થયેલ ખેતીની જમીન રીગ્રાન્ટ કરવા તેમજ સનદ આપવા અંગેની કાર્યવાહીની પ્રગતિની સમીક્ષા કરાઈ હતી.
આ ઉપરાંત સામાજિક સુવિધા અને કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત મંજૂર થયેલી આંગણવાડીઓ અને શાળાના નવા ઓરડાના કામો શરૂ કરવા, મકાન સહાયના હપ્તા ચૂકવવા, જી.આઇ.ડી.સી. તથા વાલ્મીકી સમાજના સ્મશાનમાં જરૂરી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા, પેવરબ્લોક અને રેનબસેરાના કામો, ટેકાના ભાવે કરાયેલ ખરીદીના પેમેન્ટ ચૂકવવા તેમજ GSFC ની સર્વગ્રાહી યોજનાના કામો ચાલુ કરાવવા સંબંધિત અધિકારીઓને દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા. જનસુખાકારી અને પરિવહનની સેવાઓ અંતર્ગત ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ખાતે કરવામાં આવતા વિવિધ રિપોર્ટની વિગતો, હોસ્પિટલના મહેકમની સ્થિતિ, BSNL ટાવરની નેટવર્ક સમસ્યાનું નિરાકરણ, ખાનગી વિન્ડ ફાર્મ કંપની દ્વારા વીજપોલ હટાવવા, એસ.ટી. બસના રૂટો પુનઃ શરૂ કરવા અને ટ્રાફિક નિયમન માટે સ્પીડ બ્રેકર મૂકવા જેવા પ્રજાલક્ષી મુદ્દાઓ પર હકારાત્મક ચર્ચા હાથ ધરી પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે સુચનાઓ અપાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રંજનબેન જીવાણી, જિલ્લા સંકલન સમિતિના સભ્યો, અમલીકરણ અધિકારીઓ અને વિવિધ વિભાગના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.