રવિન્દ્ર જાડેજાએ વેસ્ટ ઇન્ડીઝ સામે અમદાવાદ ટેસ્ટમાં પણ સદી ફટકારી છે. તેમના પહેલા કેએલ રાહુલ અને ધ્રુવ જુરેલે પણ સદી ફટકારી હતી. ટેસ્ટમાં વિશ્વના નંબર વન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની આ છઠ્ઠી ટેસ્ટ સદી છે. આ વર્ષની આ તેની બીજી ટેસ્ટ સદી છે. સદી પછી, તેણે બેટ ફેરવીને પોતાની તલવારબાજીના અંદાજમાં ઉજવણી કરી.
વેસ્ટ ઇન્ડીઝ સામે બે ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી મેચ ગુરુવારથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શરૂ થઈ હતી. ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં વેસ્ટ ઇન્ડીઝને ફક્ત 162 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. મોહમ્મદ સિરાજે 4 વિકેટ, જસપ્રીત બુમરાહે 3 વિકેટ અને કુલદીપ યાદવે 2 વિકેટ લીધી હતી.
પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ધ્રુવ જુરેલે સદી ફટકારી
વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય વિકેટકીપર-બેટ્સમેન ધ્રુવ જુરેલે સદી ફટકારી હતી. તેણે 190 બોલમાં પોતાની પ્રથમ ટેસ્ટ સદી પૂરી કરી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં, ધ્રુવ જુરેલે રવિન્દ્ર જાડેજા સાથે પાંચમી વિકેટ માટે સદીની ભાગીદારી કરી હતી. જુરેલે તેની ઇનિંગમાં 12 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.
ધ્રુવ જુરેલ ટેસ્ટ સદી ફટકારનાર 12મો ભારતીય વિકેટકીપર-બેટ્સમેન બન્યો. આમાંથી પાંચ ખેલાડીઓએ વેસ્ટ ઇન્ડીઝ સામે પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી છે. વિજય માંજરેકર, ફારુખ એન્જિનિયર, અજય રાત્રા, સાહા અને હવે જુરેલ વેસ્ટ ઇન્ડીઝ સામે સદી ફટકારનારા વિકેટકીપર-બેટ્સમેન બન્યા છે.
2025માં ભારતીય વિકેટકીપર-બેટ્સમેન દ્વારા આ ત્રીજી સદી છે. ઋષભ પંતે બે સદી ફટકારી છે, અને જુરેલે એક સદી ફટકારી છે. ધ્રુવ જુરેલે ભારતીય ઇનિંગના 116મા ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી. વિજય માંજરેકર વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય વિકેટકીપર હતા. તેમણે ૧૯૫૩માં કિંગ્સ્ટન ટેસ્ટની બીજી ઇનિંગમાં ૧૧૮ રન બનાવ્યા હતા.
નિયમિત ભારતીય વિકેટકીપર ઋષભ પંતનું સ્થાન લેનારા ધ્રુવ જુરેલે ૨૧૦ બોલમાં ૧૨૫ રનની શક્તિશાળી ઇનિંગ રમી હતી. જુરેલે પોતાની ઇનિંગ દરમિયાન ૧૫ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. ઋષભ પંતના સ્થાને ધ્રુવ જુરેલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન ઘાયલ થયો હતો અને હવે સ્વસ્થ થઈ રહ્યો છે.