ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર બાંધકામ સામગ્રીના વધતા ખર્ચ અને બદલાતી માંગની અસર જોવા મળી રહી છે. એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીમાં કુલ 756 નવા પ્રોજેક્ટ્સ નોંધાયા છે. છેલ્લા બે નાણાકીય વર્ષના આંકડાની સરખામણીએ આ ગતિમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એફવાય2025-26 દરમિયાન રાજ્યમાં 1,606 નવા પ્રોજેક્ટ્સ, જ્યારે એફવાય2024-25માં 1,818 પ્રોજેક્ટ્સ નોંધાયા હતા.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનાના આંકડા દર્શાવે છે કે વધતા ખર્ચ અને ગ્રાહકોની બદલાતી પસંદગીઓને ધ્યાનમાં રાખીને ડેવલપર્સ નવા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં સાવચેતી રાખી રહ્યા છે.
નવા પ્રોજેક્ટ રજિસ્ટ્રેશનમાં અમદાવાદ 217 પ્રોજેક્ટ સાથે પ્રથમ ક્રમે છે. ત્યારબાદ સુરતમાં 180, વડોદરામાં 81 અને ગાંધીનગરમાં 71 પ્રોજેક્ટ નોંધાયા છે. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે ભાવનગરે રાજકોટને પાછળ છોડી દીધું છે. ભાવનગરમાં 59 નવા પ્રોજેક્ટ નોંધાયા છે, જ્યારે રાજકોટમાં 41 પ્રોજેક્ટ નોંધાયા છે.
બીજી તરફ, નાઈટ ફ્રેંક ઇન્ડિયાના રિપોર્ટ મુજબ અમદાવાદના રહેણાંક બજારમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2026 દરમિયાન 14,300 મકાનોનું વેચાણ થયું હતું. ગયા વર્ષના સમાન સમયગાળામાં 14,064 યુનિટ વેચાયા હતા. એટલે કે વેચાણમાં 2 ટકાનો વધારો થયો છે. આ 2018 પછીના પ્રથમ નવ મહિનામાં શહેરનું સૌથી મજબૂત વેચાણ પ્રદર્શન છે.
આ સમયગાળા દરમિયાન ડેવલપર્સે 16,745 નવા યુનિટ્સ લોન્ચ કર્યા, જે ગયા વર્ષની સરખામણીમાં 1 ટકા વધુ છે. ખાસ કરીને એક કરોડ રૂપિયાથી વધુ કિંમતના ઘરોની માંગ વધી છે. આવા ઘરોનું વેચાણ 16 ટકા વધીને 3,885 યુનિટ થયું છે અને કુલ વેચાણમાં તેનો હિસ્સો 24 ટકાથી વધીને 27 ટકા થયો છે.
કયુ -3 2026માં અમદાવાદમાં મકાનોની સરેરાશ કિંમતમાં વાર્ષિક ધોરણે 3.7 ટકાનો વધારો થયો છે અને તે પ્રતિ ચોરસ ફૂટ રૂ. 4,837 પર પહોંચી છે. જોકે, વેચાયા વગરના મકાનોનો સ્ટોક પણ 9 ટકા વધીને આશરે 38,700 યુનિટ થયો છે.
ડેવલપર્સના જણાવ્યા મુજબ જમીનના ભાવ અને કાચા માલના ભાવમાં વધારો થયો છે. વધેલા ખર્ચનો સંપૂર્ણ ભાર ગ્રાહકો પર નાખવો મુશ્કેલ હોવાથી ડેવલપર્સના નફાના માર્જિન પર અસર પડી રહી છે. સાથે જ, લગભગ એક દાયકા જૂની ‘અફોર્ડેબલ હાઉસિંગ’ની વ્યાખ્યાને કારણે અનેક નવા પ્રોજેક્ટ્સ તેની મર્યાદાથી બહાર જઈ રહ્યા છે.
જોકે, ઉદ્યોગને દિવાળી બાદ તેજીની આશા છે. ક્રેડાઇ ગુજરાતના સચિવ વિરલ શાહે જણાવ્યું હતું કે દિવાળી બાદ નવા પ્રોજેક્ટ્સના લોન્ચમાં વધારો થઈ શકે છે. વૈષ્ણોદેવી, છારોડી-ગોતા અને ઝુંડાલ જેવા વિસ્તારોમાં અફોર્ડેબલ હાઉસિંગ અને 3-BHKની નવી સપ્લાય વધવાની શક્યતા છે.
અમદાવાદના કોમર્શિયલ રિયલ એસ્ટેટમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બેન્કિંગ, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને ઇન્શ્યોરન્સ ક્ષેત્રની માંગ વધી રહી છે. મેટ્રો કનેક્ટિવિટી ધરાવતા વિસ્તારોમાં કોમર્શિયલ પ્રોપર્ટી માટે રસ વધતાં આગામી સમયમાં નવા પ્રોજેક્ટ્સને વેગ મળવાની આશા છે.