સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાંબા સમયથી ખાલી પડેલી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની જગ્યા ભરવા માટે રાજ્ય સરકારે લીલી ઝંડી આપ્યા પછી હવે આગામી દિવસોમાં ભરતી મેળા શરૂ થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રજીસ્ટ્રાર ની જગ્યા લાંબા સમયથી ખાલી પડી છે . થોડા સમય માટે આ જગ્યા ભરાઈ હતી પરંતુ તુરંત જ ખાલી પણ થઈ ગઈ હતી. આમ દસેક વર્ષથી રજીસ્ટ્રાર જેવી અત્યંત મહત્વની પોસ્ટ ખાલી છે અને તેના માટે આગામી તારીખ ત્રણને શુક્રવારે ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા છે.
10 વર્ષથી ખાલી પડેલી આ જગ્યા માટે શુક્રવારે ઇન્ટરવ્યૂ
ગજેન્દ્ર જાનીના રાજીનામાના કારણે તારીખ 21/6/2011થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રારની જગ્યા ખાલી પડી છે. થોડા સમય માટે આ જગ્યા પર રાજકોટ મહાનગરપાલિકાના સેક્રેટરી હરીશ રૂપારેલીયા હાજર થયા હતા. પરંતુ તેમનો કાર્યકાળ માત્ર ચાર મહિનાનો જ રહ્યો હતો. આમ 10 વર્ષથી ખાલી પડેલી આ જગ્યા માટે શુક્રવારે ઇન્ટરવ્યૂ યોજવામાં આવ્યા છે. કુલ 12 ઉમેદવારોએ અરજી કરી હતી પરંતુ લાયકાત, અનુભવ સહિત જુદા જુદા પાસાઓને ધ્યાનમાં રાખી 9 અરજીઓ રદ કરવામાં આવી છે અને ત્રણ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ યોજવામાં આવશે. જે ત્રણ ઉમેદવારોની અરજી મંજૂર કરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે જોડાયા પછી 2003માં આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર બનેલા મનીષ ધામેચા, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ડેપ્યુટી રજીસ્ટ્રાર જાદવ અને આંબેડકર યુનિવર્સિટીના કાયમી રજીસ્ટ્રાર અજયસિંહ જાડેજા નો સમાવેશ થાય છે.
122 બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી કરાશે
આ ઉપરાંત બીજા તબક્કામાં 51 શૈક્ષણિક અને 122 બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. બાયો સાયન્સ ઇકોનોમિક્સ હોમ સાઈન્સ મેથેમેટિક્સ સોશિયલ સાયન્સ હ્યુમન રાઈટ ફાર્મસી, ગુજરાતી નેનો સાયન્સ એમબીએ બાયોટેક આંકડાશાસ્ત્ર એમસીએ સહિતના જુદા જુદા ભવનમાં પ્રોફેસરોની 20 અને આસિસ્ટન્ટ પ્રોફેસરોની 31 જગ્યાઓ ખાલી પડી છે. તેમના માટે અરજી મંગાવવાની પ્રક્રિયા ચાલુ છે તે પૂરી થયા પછી ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવશે. 2020-21માં આસિસ્ટન્ટ પ્રોફેસરની 12 અને એસોસીએટ પ્રોફેસરની નવ મળીને 21 જગ્યા ભરવામાં આવી હતી. ત્યાર પછી આટલા મોટા પ્રમાણમાં ખાલી જગ્યા ભરવાની કામગીરી પ્રથમ વખત થઈ રહી છે.