રાજકોટને તા.૧૯ નવેમ્બર ૧૯૭૩ના રોજ મહાનગરનો દરજ્જો મળ્યો તેની બાવનમી વર્ષગાંઠ છે ત્યારે શહેરના શ્રેષ્ઠીઓએ રાજકોટ મહાપાલિકા પાસેથી અનેક અપેક્ષાઓ વ્યક્ત કરી છે. રાજકોટ શહેરની વસ્તી, વિસ્તાર અને વિકાસમાં વૃધ્ધિ થઇ છે તેમ છતાં અનેક સમસ્યાઓ અણઉકેલ રહી છે. ખાસ કરીને ટ્રાફિક, પોલ્યુશન, હરવા ફરવાના નવા સ્થળો વિકસિત કરવાનો અભાવ વિગેરે બાબતો મુખ્ય છે. મહાપાલિકા તંત્રએ શ્રેષ્ઠીઓના સુઝાવ ધ્યાને લઈને નવા વર્ષમાં આવું કંઇક કરવાની જરૂર છે.
સિંગલ વિન્ડો સિસ્ટમ અમલી કરો
સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નલીનભાઇ ઝવેરીએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરની વસ્તી, વિસ્તાર અને વિકાસમાં સતત વૃધ્ધિ થઇ રહી છે ત્યારે રાજકોટ મહાપાલિકાએ શહેરના વિકાસને વધુ ઝડપી બનાવવા માટે સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરવાની ખાસ જરૂરિયાત છે, વિવિધ મંજૂરીઓ લેવા માટે અલગ અલગ વિભાગોમાં ધક્કા ખાતા અરજદારો માટે આ બાબત રાહતરૂપ બનશે. તદ ઉંપરાંત ટ્રાફિક સમસ્યા ફ્ક્ત પોલીસની જવાબદારી નથી, મહાપાલિકાની પણ સહિયારી જવાબદારી છે, પોલ્યુશન ઘટાડવા પણ જોઈએ તેટલા પ્રયાસો નથી. હજુ ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે, સ્વચ્છ શહેરમાં ૧થી ૭માં સ્થાન મેળવનાર રાજકોટ ૧૭મા ક્રમે કેમ ફેંકાઇ ગયું તેની સમીક્ષા થવી જરૂરી છે.
રસ્તા પહોળા કરવા માસ્ટર પ્લાન બનાવો
ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ચેરમેન ધનસુખભાઇ વોરાએ જણાવ્યું હતું કે, રાજકોટની ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે મહાપાલિકાએ ઘણું કરવાની જરૂર છે, જો ટ્રાફિક સમસ્યા આટલી હદે વધતી જશે તો શહેરમાં રહેવું મુશ્કેલ બની જશે. રાજકોટના રસ્તા પહોળા કરવા માટે મહાપાલિકાએ નવેસરથી માસ્ટર પ્લાન બનાવવો જોઈએ. સફાઇમાં અગાઉના વર્ષ કરતા સ્થિતિ સુધરી છે પરંતુ ગંદકીની ફરિયાદ હજુ પણ જેટલી ઝડપે ઉકેલાવી જોઈએ તેટલી હદે ઉકેલાતી નથી. આજી રિવર ફ્રન્ટ તો દૂર રહ્યો, આજી નદીની સફાઇ પણ થતી નથી. કદાચ રાજકોટની સૌથી વધુ ગંદકી આજી નદીમાં હશે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી.
અન્ય શહેરોમાં જવું ન પડે તેવું રાજકોટ વિકસાવો
રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ પરેશભાઇ ગજેરાએ જણાવ્યું હતું કે રાજકોટ મહાપાલિકા અને સરકારએ રાજકોટનું એવું ડેવલપમેન્ટ કરવું જોઈએ કે રાજકોટ કે સૌરાષ્ટ્રની જનતાને અમદાવાદ, વડોદરા કે સુરત જવાની જરૂર ન પડે. શિક્ષણ કે રોજગાર માટે જે વ્યક્તિ એક વખત પાંચ વર્ષ માટે શહેર બહાર જાય ત્યારબાદ ત્યાં જ સ્થાયી થઇ જતા હોય છે. રાજકોટમાં છેલ્લા વર્ષોમાં એક માત્ર ન્યૂ રેસકોર્સ ડેવલપ થયું છે અમદાવાદની જેમ રિવર ફ્રન્ટ ઉપરાંત મહાપાલિકાએ હરવા ફરવાના નવા સ્થળો ડેવલપ કરવાની ખાસ જરૂર છે. નાના રસ્તાઓના શહેર રાજકોટની ટ્રાફિક સમસ્યા પાયામાંથી ઉકેલવા નવા પ્રયાસોની જરૂર તો કાયમ જણાય છે, આ માટે મહાપાલિકાએ નીતિ નિર્ધારણ સાથે આયોજન કરવાની જરૂર છે. બહુચરાજી અને સાણંદને આપ્યા તેવા નવા અને મોટા પ્રોજેક્ટ્સ રાજકોટ માટે લાવવા જોઇએ. શિક્ષણ અને રોજગાર સ્થાનિક શહેરમાં મળી રહે તો ભાગ્યે જ કોઈ પણ શહેરના લોકો અન્ય શહેરમાં જવાનું વિચારે.
બીજું તો ઠીક, રસ્તાના ખાડા પૂરો તો પણ ઘણું
રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ મારુએ જણાવ્યું હતું કે, વડીલો પાસેથી સાંભળેલી વાત મુજબ રાજકોટમાં નગરપાલિકાના વખતમાં શહેરમાં કોઈપણ સ્થળે રોડ કે શેરીઓમાં કોઈપણ કારણોસર ખાડો ખોદવામાં આવે તો તે સ્થળે બીજા જ દિવસે સમારકામ કરવા માટે ખાસ તંત્ર હતું. તેથી શહેરમાં માર્ગો ઉપર ખાડા કે બિસ્માર રસ્તાનો ત્રાસ ન હતો. હાલ મહાનગરપાલિકા દ્વારા રોડ રસ્તાના સમારકામ માટે આવી કોઈ વ્યવસ્થા નથી, સમાચાર પત્રો અને મીડિયા ઉપર તસવીરો કે લાઇવ સમાચાર છતાં મહાનગરપાલિકાના તંત્રની આંખ ખુલતી નથી. આ ઉપરાંત ખામીભરી ડ્રેનેજ સિસ્ટમ, ચોમાસામાં ભરાતા પાણી, બજારોમાં આડેધડ પાર્કિંગને કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યા રાજકોટના લોકો માટે માથાના દુઃખાવા સમાન છે. આ સમસ્યાઓ દૂર થવી જોઇએ.
રસ્તાઓ પહોળા કરો, ત્રીજો રિંગ રોડ જરૂરી
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રેસિડેન્ટ વી.પી.વૈષ્ણવે જણાવ્યું હતું કે હાલની સ્થિતિએ રાજકોટ શહેરમાં સૌથી મોટી અને અણઉકેલ જો કોઈ સમસ્યા હોય તો એ છે ભયંકર ટ્રાફિક સમસ્યા. ટ્રાફિક સમસ્યાને કારણે કેટલાયના વ્હાલસોયા અકસ્માતમાં જીવ ગુમાવે છે જે અસહ્ય છે. ટ્રાફિક સમસ્યા ઉકેલવી એ મહાપાલિકા અને પોલીસની સંયુક્ત જવાબદારી છે. રાજકોટના રસ્તાઓ પહોળા કરવા હવે અનિવાર્ય છે ત્યારે મહાપાલિકા તંત્ર વ્હેલી તકે આ કામગીરી શરૂ કરે તેવી અપેક્ષા છે. અમદાવાદ, વડોદરા, સુરત અને મુંબઈ જેવું ટ્રાફિક આયોજન કે નિયમન રાજકોટમાં જોવા મળતું નથી. ટ્રાફિક સમસ્યા વકરે પછી બ્રિજ બનાવવા તેના બદલે જો નવા બ્રિજનું આયોજન ૧૦ વર્ષ પૂર્વે કરાય તો ટ્રાફિક સમસ્યામાંથી રાહત મળી શકે. બીજો રિંગ રોડ પૂર્ણ થવામાં છે ત્યાં ત્રીજા રિંગ રોડનું પ્લાનિંગ શરૂ થવું જોઈએ તો જ ટ્રાફિક સમસ્યા ઘટશે. અમદાવાદ અને સુરતમાં બેથી વધુ રિંગ રોડ અને ૨૫થી ૩૦ ઓવરબ્રિજ બન્યા છે જેની તુલનાએ રાજકોટ ઘણું પાછળ છે. મહાપાલિકાની સાથે મળીને રૂડાએ ટ્રાફિક સમસ્યા ઉકેલવા આગોતરું પ્લાનિંગ કરવું જોઈએ તેમ વી.પી.વૈષ્ણવે ઉમેર્યું હતું.