BREAKING NEWS

ટેકાના ભાવે કપાસની ખરીદીમાં રજીસ્ટ્રેશન મુદતમાં વધારો

  • November 17, 2025 09:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ભારતીય કપાસ નિગમ લિમિટેડ (કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા) દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી માટેની રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર હતી તે વધારીને 31 ડિસેમ્બર કરવામાં આવી હોવાની સત્તાવાર જાહેરાત થઈ છે.

કપાસ નિગમ લિમિટેડના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ જો કપાસમાં ભેજની માત્રા 8% થી વધારે નહીં હોય તો ખેડૂતોને લઘુત્તમ સપોર્ટ મૂલ્ય પૂરેપૂરું ચૂકવવામાં આવશે. પરંતુ જો ભેજની માત્રા 8% થી 12% ની વચ્ચે હશે તો 8% થી વધુ ભેજના પ્રમાણ મુજબ કપાત કરીને લઘુતમ ભાવનું ચુકવણું કરવામાં આવશે. આ બાબતને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ કપાસ સુકવ્યા પછી જ કેન્દ્ર પર લાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. 12% થી વધુ ભેજનું પ્રમાણ હશે તો તેવા કપાસની ખરીદી કરવામાં નહીં આવે.

કપાસની સિઝન 2025- 26 અંતર્ગત કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સમગ્ર રાજ્યમાં જુદા જુદા 56 કેન્દ્રમાં કપાસની ખરીદી કરવામાં આવી છે. જેમાંથી 10 કેન્દ્ર બોટાદ ગઢડા જામનગર ઢસા ધ્રાંગધ્રા લીંબડી મોરબી રાજકોટ રાણપુર અને વલભીપુર કેન્દ્રમાં વેચાણ માટેનું સ્લોટનુ બુકિંગ શરૂ થઈ ગયું છે. આ માટે ખેડૂતોને જો કોઈ પ્રકારની માર્ગદર્શન કે મદદની જરૂર હોય તો સીસીઆઇ દ્વારા રાજકોટ કાર્યાલય ખાતે હેલ્પલાઇન નંબર 94285 88266 નંબર જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકાર દ્વારા અત્યારે ટેકાના ભાવે મગફળી અડદ સોયાબીન જેવી ચીજ વસ્તુઓની ખરીદી ચાલુ છે અને બીજી બાજુ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કપાસની ખરીદી પણ ચાલુ જ છે. અગાઉ 31 ઓક્ટોબર રજીસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ હતી પરંતુ આ સમયગાળા દરમિયાન સંખ્યાબંધ ખેડૂતો રજીસ્ટ્રેશન ન કરાવી શક્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠ્યા પછી તેની મુદતમાં હવે 31 ડિસેમ્બર સુધીનો વધારો કરવામાં આવ્યો છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application