જંગલેશ્વર વિસ્તારમાં તાજેતરમાં ડિમોલિશન અંગેની નોટિસો અપાતા આ મામલે વિસ્તારના સામાજિક કાર્યકર દ્વારા ડિમોલિશનના બદલે ૫૦થી ૬૦ વર્ષ જૂના મકાનો નિઃશુલ્ક ધોરણે રેગ્યુલરાઇઝ કરી આપવા માટે રાજકોટ જિલ્લા કલેક્ટરને લતાવાસી દ્વારા લેખિત રજૂઆત કરાઇ છે તેમજ આ મામલે આગામી તા.૧૨ જાન્યુઆરીથી ઉપવાસ આંદોલન શરૂ કરવાની અને આમરણાંત ઉપવાસની ચિમકી પણ અપાઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૧૬માં આવેલા જંગલેશ્વર વિસ્તારમાં તાજેતરમાં પૂર્વ રાજકોટ મામલતદાર કચેરી દ્વારા પોલીસ બંદોબસ્ત હેઠળ દબાણો તેમજ ગેરકાયદે બાંધકામ મામલે અંદાજે ૧૦૦૦થી વધુ મકાનો, દુકાનો વિગેરે સહિતના દબાણોને ડિમોલિશનની નોટિસ ફટકારાઇ છે.જંગલેશ્વર વિસ્તારમાં ટીપી સ્કિમ નં.૬ના ફાઇનલ પ્લોટ નં.૧૫૯માં દબાણો અને ગેરકાયદે બાંધકામો મામલે પોલીસ બંદોબસ્ત હેઠળ નોટિસની બજવણી કરાઇ હતી. નોટિસ ધારકોને તા.૨૯ ડિસેમ્બરે સવારે ૧૧ કલાકે જૂની કલેક્ટર કચેરીએ હાજર થવા ફરમાન કરાયું છે. મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટની કચેરી રાજકોટ શહેર (પૂર્વ) દ્વારા રાજકોટ શહેર (પૂર્વ)ના ટી.પી.સ્કીમ નં.૬નાં ફાઇનલ પ્લોટ નં.૧૫૯ ઉપર થયેલ દબાણ અંગે લેન્ડ રેવન્યુ કોડની કલમ ૬૧ હેઠળ નોટિસોની બજવણી કરાઇ છે.