BREAKING NEWS

વિદેશમાં અભ્યાસનું સ્વપ્ન થશે પૂરું: બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય

  • August 19, 2026 05:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકારે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ સંચાલિત 'વિદેશ અભ્યાસ લોન યોજના' હેઠળ કૌટુંબિક વાર્ષિક આવક મર્યાદા રૂ. ૬ લાખથી વધારીને રૂ. ૧૦ લાખ કરી દેવામાં આવી છે.


રાજ્ય સરકારના આ નિર્ણયથી બિન અનામત વર્ગના વધુમાં વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા માટે સરળતાથી લોન સહાય મેળવી શકશે. ૧૯ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ જારી કરવામાં આવેલા સત્તાવાર ઠરાવ અનુસાર, હવેથી જે પરિવારની વાર્ષિક આવક રૂ. ૧૦ લાખ સુધીની હશે, તે પરિવારના વિદ્યાર્થીઓ આ યોજના હેઠળ આર્થિક સહાય મેળવવા માટે સંપૂર્ણ પાત્ર ગણાશે.


આ યોજનામાં સુધારા અંગેની પૃષ્ઠભૂમિ જોઈએ તો, અગાઉ વિદેશ અભ્યાસ લોનનો લાભ લેવા માટે મહત્તમ આવક મર્યાદા રૂ. ૬ લાખ નક્કી કરવામાં આવી હતી. ત્યારબાદ વિકસતી જાતિ કલ્યાણના નિયામક દ્વારા ૧૫ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ આ આવક મર્યાદામાં વધારો કરવા માટે સરકાર સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. સરકારે આ દરખાસ્ત પર સક્રિય વિચારણા કરીને સુધારાને આખરી મંજૂરી આપી છે, જેનો અમલ ૧૮ ઓગસ્ટ ૨૦૨૬થી શરુ ગણાશે.


સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નાયબ સચિવ દ્વારા જારી કરાયેલા આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે 'વિદેશ અભ્યાસ લોન યોજના' સંબંધિત અગાઉના ઠરાવોની અન્ય તમામ શરતો અને જોગવાઈઓ યથાવત રહેશે. આ સુધારો નાણા વિભાગ તથા સરકારની ૩ ઓગસ્ટ ૨૦૨૬ની નોંધ અન્વયે મળેલી મંજૂરીના આધારે જારી કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application