BREAKING NEWS

આભમાંથી વરસતા અગનગોળા વચ્ચે રાહતના સમાચાર: ગરમી ઘટશે, આવતીકાલથી બે દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

  • May 21, 2026 09:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતવાસીઓ માટે હવામાન વિભાગ તરફથી રાહત અને ચિંતાના મિશ્ર સમાચાર આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી પડી રહેલી આકરી ગરમીમાંથી આજથી આંશિક છુટકારો મળ્યો છે અને તાપમાનનો પારો સામાન્ય ૧ થી ૨ ડિગ્રી જેટલો નીચો ઉતર્યો છે. આ આશ્વાસન વચ્ચે હવામાન વિભાગે આવતીકાલ એટલે કે ૨૨ અને ૨૩ મેના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ (માવઠું) થવાની આગાહી કરી છે.


ગરમીનો મિજાજ: રાજકોટ હજુ પણ ભઠ્ઠી જેવું ગરમ
ભલે તાપમાનમાં થોડો ઘટાડો થયો હોય, પરંતુ બપોરના સમયે પંખા પણ ગરમ હવા ફેંકી રહ્યા છે. આજે પણ રાજ્યના ૮ શહેરોમાં પારો ૪૦ ડિગ્રીને પાર નોંધાયો હતો:


સૌથી ગરમ શહેર: ૪૩.૫ ડિગ્રી સેલ્સિયસ સાથે રાજકોટ આજે આખા રાજ્યમાં સૌથી વધુ શેકાયું હતું.


સૂકું હવામાન: છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ-દમણ વિસ્તારમાં પવન સાવ સૂકો રહ્યો હતો, જેના કારણે બફારો અસહ્ય બન્યો છે.


આવતીકાલથી બે દિવસ ક્યાં-ક્યાં વરસશે મેઘરાજા?
ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે:


૧. ૨૨ મે (શુક્રવાર): ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

૨. ૨૩ મે (શનિવાર): ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં પવનના સુસવાટા અને ગાજવીજ સાથે માવઠું થવાની સંભાવના છે.


​​​​​​​એક તરફ જ્યાં સામાન્ય જનતા ગરમીથી બચવા વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહી છે, ત્યાં બીજી તરફ ભરઉનાળે વરસાદની વાતો સાંભળીને ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. ઉનાળુ પાક અને ખાસ કરીને કેરીના પાકને આ કમોસમી વરસાદથી મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application