મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં આયોજિત અજાક્સ (મધ્ય પ્રદેશ અનુસૂચિત જાતિ-જનજાતિ અધિકારી અને કર્મચારી સંઘ) ના પ્રાંતીય અધિવેશન દરમિયાન નવનિયુક્ત પ્રાંતીય અધ્યક્ષ અને વરિષ્ઠ આઈએએસ અધિકારી સંતોષ વર્માના એક નિવેદનથી વિવાદ સર્જાયો થયો છે. તેમનું આ નિવેદન સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગયું છે, જેના કારણે બ્રાહ્મણ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
મધ્ય પ્રદેશ અનુસૂચિત જાતિ-જનજાતિ અધિકારી અને કર્મચારી સંઘના અધિવેશનમાં સંતોષ વર્માએ કહ્યું હતું કે, 'જ્યાં સુધી મારા દીકરાને કોઈ બ્રાહ્મણ પોતાની દીકરી દાનમાં ન આપે અથવા તેની સાથે સંબંધ ન બને ત્યાં સુધી અનામત ચાલુ રહેવી જોઈએ.'
આ નિવેદનનો વીડિયો વાઈરલ થયા પછી સમગ્ર મધ્ય પ્રદેશમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો હતો. અખિલ ભારતીય બ્રાહ્મણ સમાજના પ્રદેશ અધ્યક્ષ પુષ્પેન્દ્ર મિશ્રાએ આ ટિપ્પણીને દીકરીઓનું અપમાન ગણાવી હતી. તેમણે કહ્યું કે, 'સરકાર 'બેટી-બચાવો, બેટી-બઢાઓ' જેવા અભિયાનો ચલાવી રહી છે, ત્યારે એક વરિષ્ઠ અધિકારી દ્વારા આવી ભાષા એક આખા સમાજના ગૌરવને ઠેસ પહોંચાડે છે.'
બ્રાહ્મણ સમાજનું કહેવું છે કે આ ટિપ્પણી અનામત ચર્ચાને વ્યક્તિગત સંબંધો સાથે જોડીને ખોટી દિશામાં લઈ જનારી છે અને તેનાથી સમાજમાં બિનજરૂરી તણાવ વધે છે. વીડિયો વાઈરલ થયા બાદ રાજ્યભરમાં આ નિવેદન પર ચર્ચા તેજ છે અને ઘણા સંગઠનોએ આઈએએસ અધિકારી પાસેથી સ્પષ્ટતા અને માફીની માગ કરી છે.
આ મામલે બ્રાહ્મણ સમાજ ટૂંક સમયમાં ભોપાલમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરશે. સંગઠનના નેતાઓએ જણાવ્યું છે કે, જો અધિકારી માફી નહીં માગે તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે.