રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતા અને શિક્ષણમંત્રી ડો. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૬૦મો પદવીદાન સમારોહ યોજાયો હતો.
કાનજી ભુટ્ટા બારોટ રંગમંચ ખાતે 'સ્વદેશી અપનાવો, સ્વદેશી બિરદાવો'ની થીમ સાથે યોજાયેલ આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, વિદ્યાથીઓ અને ગુરુજનોએ પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે, જેના પરિણામે વિદ્યાથીઓ અભ્યાસ પૂર્ણ કરીને પદવી મેળવી શક્યા છે. ભારતીય સંસ્કૃતિમાં વિદ્યાનું ઘણું મહત્વ છે. વિદ્યાથી મોટું કોઈ દાન નથી. શિષ્યોને અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય એ ગુરુ. આપણી પ્રાચીન શિક્ષણ પરંપરામાં ગુરુ માટે આચાર્ય શબ્દ પણ વપરાયો છે. જે શિષ્યોને ફક્ત અક્ષરજ્ઞાન નથી આપતા, પરંતુ તેની સાથેસાથે શિષ્યોના સર્વાંગી વિકાસ તરફ ધ્યાન કેન્દ્રિત કરે, તેમના જીવન નિર્માણની જવાબદારી પણ ઉપાડે છે, એ આચાર્ય.
પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજાએ પદવી પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, યુનિવર્સિટી વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનું કાર્ય કરે છે. જ્યારે માતા-પિતા-ગુરુ વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાન અને સંસ્કારનું સિંચન કરવાનું કાર્ય કરે છે.
કુલપતિ ડૉ. ઉત્પલભાઈ જોશીએ શાબ્દિક પ્રવચન કર્યું હતું. શિક્ષણ શાખાના ડીન શ્રી ડો. નીદત્ત બારોટ અને કુલસચિવ મનીષ ધામેચાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન ડો. ધારાબેન જોશી અને ડો. ચંદ્રાવાડીયાએ કર્યું હતું. અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
ઉલ્લેખનીય એ છે કે, આ કાર્યક્રમમાં કુલ ૪૩,૭૯૨ વિદ્યાર્થીઓને પદવી અપાઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને દાતાઓના સહયોગથી ૧૮૬ વિદ્યાર્થીઓને ૨૭૧ પ્રાઈઝ અપાયા હતાં. તેમજ વિદ્યાર્થીનીઓને ૧૨૯ ગોલ્ડ મેડલ તથા વિદ્યાથીઓને ૪૯ ગોલ્ડ મેડલ એમ ૧૪ વિદ્યાશાખાના ૧૬૦ વિદ્યાર્થીઓને કુલ ૧૭૮ ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતાં.
આ દીક્ષાંત સમારોહમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી, કલેકટર ડૉ. ઓમ પ્રકાશ, પરીક્ષા નિયામક મનીષ શાહ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટના સભ્યો, વિવિધ વિદ્યા શાખાઓના ડીન, પ્રોફેસર્સ તથા વિદ્યાર્થીઓ, બિન શૈક્ષણિક સ્ટાફ, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.