BREAKING NEWS

અમદાવાદમાં ફૂડ ડિપાર્ટમેન્ટનો મોટો નિર્ણય: રેસ્ટોરન્ટો-હોટલોએ રસોડામાં CCTV લગાવી લાઈવ ટેલિકાસ્ટ કરવું પડશે

  • August 19, 2026 07:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ગ્રાહકોના આરોગ્યની સુરક્ષા અને ખાદ્ય સામગ્રીની ગુણવત્તામાં વધુ પારદર્શિતા લાવવા માટે એક અભૂતપૂર્વ અને કડક આદેશ જારી કરવામાં આવ્યો છે. શહેરની ૧૧,૧૨૩ જેટલી રેસ્ટોરન્ટ્સ અને ફૂડ બિઝનેસ ઓપરેટર્સને પોતાના રસોડામાં (Kitchen) ફરજિયાતપણે સીસીટીવી (CCTV) કેમેરા લગાવીને તેનું લાઈવ પ્રસારણ રિસેપ્શન અને ગ્રાહકોના બેઠક વિસ્તારમાં દર્શાવવા ઈ-મેઈલ મારફતે આદેશ કરવામાં આવ્યો છે.

19 ઓગસ્ટના રોજ હાથ ધરાયેલા વ્યાપક ચેકિંગ દરમિયાન એસએસએસએઆઈના નિયમોનું ગંભીર ઉલ્લંઘન, અસ્વચ્છતા, જીવાત અને ભેળસેળયુક્ત ખાદ્ય સામગ્રી મળી આવતાં કોલેજ કેન્ટીન સહિત અનેક જાણીતા આઉટલેટ્સને ત્વરિત અસરથી સીલ કરી દેવામાં આવ્યા છે. ફૂડ વિભાગે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે નિયમોનો ભંગ કરનાર અને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર એકમો સામે લાયસન્સ રદ કરવા સહિતની સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

ફૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 અને એફએસએસએઆઈની માર્ગદર્શિકા અનુસાર દરેક ખાદ્ય એકમે રસોડાની ઉચ્ચ સ્વચ્છતા જાળવવી ફરજિયાત છે. આ ઉપરાંત ફૂડ હેન્ડલર્સની વ્યક્તિગત હાઈજીન, કાચા અને રાંધેલા ખોરાકનું અલગ સ્ટોરેજ, પીવા તેમજ રસોઈ માટે માત્ર સક્ષમ અને સલામત પાણીનો ઉપયોગ, નિયમિત પેસ્ટ કંટ્રોલ અને કચરાના યોગ્ય નિકાલની જોગવાઈઓનું પાલન કરવું અતિ આવશ્યક છે.

ગ્રાહકો પોતે જે ખોરાક આરોગી રહ્યા છે તે કેવી રીતે તૈયાર થઈ રહ્યો છે તે પોતાની નજરે જોઈ શકે તે માટે સીસીટીવીનું લાઈવ ફિડ ડિસ્પ્લે કરવું અનિવાર્ય રહેશે. આ સાથે ખાદ્ય પદાર્થોને ધૂળ, માખી-જીવાત અને અન્ય દૂષિત તત્વોથી સુરક્ષિત રાખવા, માત્ર નિર્ધારિત અને મંજૂર થયેલા ફૂડ કલર્સનો ઉપયોગ કરવો તથા રસોઈના તેલનો મર્યાદિત અને યોગ્ય ઉપયોગ કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. વારંવાર નિયમો તોડનારા એકમો સામે લાયસન્સ રદ કરી કાયમી તાળાં મરાશે.

તપાસ ઝુંબેશ દરમિયાન સૈજપુર બોઘા ખાતે આવેલી મહાત્મા ગાંધી ફિઝિયોથેરાપી કોલેજમાં સંચાલિત 'RKR કેટરર્સ'ની કેન્ટીનની સરપ્રાઈઝ વિઝિટ લેવામાં આવી હતી. આ તપાસમાં કેન્ટીન પાસે વૈધ FSSAI લાયસન્સ ન હોવાનું, ભારે ગંદકી અને ખાદ્ય સામગ્રીમાંથી કીડી-ધનેરા જેવી જીવાતો મળી આવતાં તેને સ્થળ પર જ સીલ કરી દેવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application