ગાંધીનગરમાં નિવૃત્ત આઇએએસની પરણિતી પુત્રીને શ્વાન રમાડવું ભારે પડ્યું હતું. શ્વાને કરડી લીધા બાદ પણ તેણે હડકવાની રસી ન લેતા અંતે હડકવાથી તેનું મોત નીપજ્યું છે. આ કિસ્સાએ શ્વાનપ્રેમીઓની આંખ ખોલી દીધી છે.
સ્કૂલ પ્રશાસન અને સનદી અધિકારીઓના વર્તુળમાં શોકનો માહોલ
મળતી માહિતી મુજબ, ગાંધીનગરમાં રહેતા અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા નિવૃત IAS અધિકારીના પરણિત પુત્રીને કૂતરું કરડ્યા બાદ હડકવાથી મોત થતા સ્કૂલ પ્રશાસન અને સનદી અધિકારીઓના વર્તુળમાં શોકનો માહોલ છવાયો છે. મૃતક મહિલા ગાંધીનગરની નામાંકિત શાળા સાથે જોડાયેલા હતા. જ્યારે તેમના પિતા ગુજરાત સરકારમાં એડિશ્નલ ચીફ સેક્રેટરી રહી ચૂક્યા છે અને 2001માં નિવૃત થયા હતા.
'બીગલ' બ્રીડના ડોગને રમાડી રહ્યા હતા ત્યારે કરડ્યું હતું
આ બનાવમાં શોકિંગ વાત એ છે કે, ચાર મહિના પહેલા મહિલા જ્યારે બીગલ ડોગને રમાડી રહ્યા હતા ત્યારે કરડ્યું હતું. ડિસેમ્બરના અંતમાં હડકવાના લક્ષણો જણાતા 30મી ડીસેમ્બરે ભાટ સર્કલ પાસે આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં 17મી જાન્યુઆરીએ સવારે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. અંદાજે ચારેક મહિના પહેલા ગાંધીનગરની જે શાળા સાથે મહિલા જોડાયેલા છે તે શાળાના જ સ્ટાફ પાસે રહેલા 'બીગલ' બ્રીડના ડોગને રમાડી રહ્યા હતા ત્યારે કરડ્યું હતું. પોતાના ઘરે પણ પાલતું ડોગ હોય આ ઘટનાને સામાન્ય ગણી હતી અને રેબીઝ રસી લેવાનું ટાળ્યું હોવાનું જાણવા મળ્યું છે.
શ્વાનનું રેબીઝના લક્ષણો સાથે મૃત્યુ થયું હતું
ગત 17 ઓક્ટોબર 2025ના રોજ આ શ્વાનનું રેબીઝના લક્ષણો સાથે મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ સ્કૂલ સંચાલકો સફાળા જાગ્યા હતા અને તાત્કાલિક તમામ વાલીઓ તેમજ સ્ટાફને મેસેજ કરી જાણ કરી હતી કે, જો કોઈ વિદ્યાર્થી કે સ્ટાફ શ્વાનના સંપર્કમાં આવ્યો હોય તો તાકીદે રસી મુકાવી લે. જેને લઈ સ્કૂલ દ્વારા રેબીઝની રસી પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
19માં દિવસે સારવાર દરમિયાન મોત નિપજ્યું
ડીસેમ્બર મહિનાના અંતમાં મહિલાની તબિયત લથડતા અમદાવાદના ભાટ નજીક આવેલી એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 19માં દિવસે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મહિલાના મૃતદેહને પૂરતા પ્રોટેક્શન સાથે ગાંધીનગર સેક્ટર-30 સ્મશાન ગૃહ લઈ જવામાં આવ્યો હતો અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
આ અંગે સેકટર 30 સ્મશાનના સત્તાવાર સૂત્રોએ કહ્યુ કે, આજે સવારે મૃતકના પાર્થિવદેહને લેવા માટે અમારી એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી. જે વાસ્તવમાં જેતે હોસ્પિટલે વ્યવસ્થા કરવાની હોય છે. ત્યાંથી કહેવાયું હતું કે, હડકવાના લીધે મૃત્યુ થયું હોવાથી મૃતદેહ પેક કરીને આપવામાં આવ્યો છે. જેને કોઈએ ખોલવો નહીં. મૃતકનું ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.