ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નિવૃત્ત પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ અને ફી નિયમન સમિતિ સૌરાષ્ટ્ર ઝોનના અધ્યક્ષ નરેન્દ્રભાઈ પીઠવા દ્વારા આપવામાં આવેલું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું છે. ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન અનુસાર નરેન્દ્રભાઈ બચુભાઈ પીઠવાને રાજકોટ ખાતે કાયમી લોક અદાલતના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ નિયુક્તિ લીગલ સર્વિસીસ ઓથોરિટીઝ એક્ટ ૧૯૮૭ની કલમ ૨૨-બી (૧) અને (૨) હેઠળ મળેલા અધિકારો અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના પૅટ્રન-ઇન-ચીફ તથા એક્ઝિક્યુટિવ ચેરમેનની સૂચનાથી કરવામાં આવી છે.
ગુજરાત સ્વનિર્ભર શાળાઓ (ફી નિયમન) અધિનિયમ, ૨૦૧૭ અને તે અંતર્ગત બનાવેલા નિયમોની જોગવાઈઓ અનુસાર તેમની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપવા માટે પત્ર પાઠવ્યો હતો.
શિક્ષણ વિભાગની મંજૂરી અન્વયે, સરકાર દ્વારા નરેન્દ્રભાઈ પીઠવાનું રાજકોટ ઝોનના અધ્યક્ષ પદનું રાજીનામું તા. ૩૦/૦૯/૨૦૨૬ ના રોજ કચેરી સમય બાદથી સત્તાવાર રીતે મંજૂર કરવામાં આવ્યું છે. આ અંગેનો હુકમ નાયબ સચિવ કે. વી. પટેલ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.
મૂળ ગોંડલના વતની અને નિવૃત્ત પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ નરેન્દ્રભાઇ પીઠવા ગુજરાત સરકાર દ્વારા સ્વનિર્ભર શાળાઓના ફી નિર્ધારણ માટેની ફી રેગ્યુલરેટિ કમિટીના અધ્યક્ષ સૌરાષ્ટ્ર ઝોનમાં કાર્યરત હતા. તેઓએ તેમના હોદ્દા ઉપરનું રાજીનામું આપતા રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ છે.