ખંભાળિયા નજીક રીક્ષાની છોટા હાથી સાથે ટક્કર: વૃદ્ધાનું મૃત્યુ
ખંભાળિયા નજીક રીક્ષાની છોટા હાથી સાથે ટક્કર: વૃદ્ધાનું મૃત્યુ
February 16, 2026 10:40 AM
લાલપુર તાલુકાના ખડબા ગામે રહેતા કિશોરભાઈ દેવશીભાઈ ગોહેલ નામના યુવાન ગઈકાલે રવિવારે તેમના જી.જે. ૧૦ ટી.ઝેડ. ૨૮૦૪ નંબરના રિક્ષામાં તેમના ધર્મપત્ની લાભુબેન કિશોરભાઈ તથા કંચનબેન અને મંજુબેન સાથે બેસીને ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે સીમંત પ્રસંગે જવા માટે નીકળ્યા હતા. માર્ગમાંથી તેઓ લાલપુર તાલુકાના ખડબા ગામેથી સાસુ મંજુબેન અને ભાભીઓ લાભુબેન અને લાખીબેન તથા ભત્રીજા કાનાભાઈને લઈને રવાના થયા હતા.
તેઓ ખંભાળિયા નજીક પહોંચતા અત્રેથી આશરે પાંચ કિલોમીટર દૂર ઓવર બ્રિજ પાસે આગળથી આવી રહેલા એક છોટાહાથી વાહન સાથે આ રીક્ષાની ટક્કર થવા પામી હતી. જેના કારણે રીક્ષાની પાછળનું ટાયર ડિવાઇડર પર ચડી ગયું હતું.
આ અકસ્માતમાં રીક્ષા સવાર મંજુબેન દેવશીભાઈ ગોહેલ (ઉ.વ. ૬૫)ને ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે રીક્ષા ચાલક કિશોરભાઈ દેવશીભાઈ ગોહેલ, તેમના પત્નિ લાભુબેન કંચનબેન, મંજુબેન, લાખીબેન, તેમજ ભત્રીજા કાનાભાઈને ફ્રેકચર સહિતની નાની-મોટી ઈજાઓ સાથે ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે લાભુબેન કિશોરભાઈ ગોહેલની ફરિયાદ પરથી રિક્ષા ચાલક એવા તેણીના પતિ કિશોરભાઈ ગોહેલ (રહે. ખડબા, તા. લાલપુર) સામે બીએનએસ તેમજ એમવી એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. યુ.કે. મકવા દ્વારા હાથ ધરવામાં આવી છે.