ધંધુકામાં યુવાન ધર્મેશ ગમારાની કરપીણ હત્યા બાદ ફાટી નીકળેલી હિંસાના મામલે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. હત્યાની ઘટના બાદ ઉશ્કેરાયેલા ટોળાએ શહેરમાં જે પ્રકારે તોડફોડ અને અરાજકતા ફેલાવી હતી, તે બદલ ધંધુકા પોલીસ સ્ટેશનમાં 100 થી 125 લોકોના ટોળા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ બની ફરિયાદી
આ મામલે પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) હર્ષરાજસિંહ ઝાલાએ પોતે ફરિયાદી બનીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ફરિયાદ મુજબ, ધર્મેશની હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા લોકોનું ટોળું બેકાબુ બન્યું હતું. હાથમાં ઘાતક હથિયારો લઈને નીકળેલા આ ટોળાએ જાહેર સંપત્તિ અને ખાનગી મિલકતોને નિશાન બનાવી હતી.
મોટા પાયે નુકસાન
ઉશ્કેરાયેલા ટોળાએ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનો, હોટલો, લારીઓ અને પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી. અનેક સ્થળોએ માલ-સામાનને નુકસાન પહોંચાડી ભયનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું. પોલીસે આ તમામ હિંસક પ્રવૃત્તિઓને ગંભીરતાથી લઈને રાયોટિંગ (દંગા) સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તોફાની તત્વોની ઓળખ કરવાની તજવીજ શરૂ કરી છે. હાલ શહેરમાં શાંતિ જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત તૈનાત છે.
શું છે આખી ઘટના?
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે થયેલી ધર્મેશ નામના યુવકની હત્યાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. આ ઘટના બાદ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે એક્શન મોડમાં આવી મોડી રાત્રે મેગા કોમ્બિંગ હાથ ધર્યું હતું.
ધંધુકામાં વાહન ઓવરટેક કરવા બાબતે થયેલી તકરારમાં રિઝવાન અને સમીર નામના શખ્સોએ ધર્મેશ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી તેની કરપીણ હત્યા નિપજાવી હતી. હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા ઉશ્કેરાયેલા ટોળાએ શહેરમાં આગચંપી કરી હતી. પોલીસે અત્યાર સુધીમાં હત્યાના આરોપીઓ તેમજ આગચંપી કરનારા તત્વો સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને SP, DYSP અને PI સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ધંધુકા ઉતારી દેવામાં આવ્યો હતો.
ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોના નિવાસસ્થાને રેડ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન શંકાસ્પદોના ઘરેથી તીક્ષ્ણ હથિયારો પણ મળી આવ્યા છે. પોલીસે શંકાસ્પદ હલચલ ધરાવતા કેટલાક લોકોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. હાલ ધંધુકામાં તંગદિલીભર્યા શાંતિના માહોલ વચ્ચે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ધંધુકા શહેરની હોટલો અને જાહેર સ્થળો પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈ અફવા ન ફેલાય. હાલમાં પરિસ્થિતિ અંકુશમાં હોવાનું પોલીસ વિભાગ દ્વારા જણાવાયું છે.