BREAKING NEWS

સાળંગપુરધામમાં દાદાના દરબારમાં 'શાહી આમ્રોત્સવ': 2000 કિલો કેરીના અન્નકૂટથી ધરાયો દિવ્ય ભોગ, તમે પણ ઘરેબેઠા કરો દર્શન

  • April 19, 2026 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પવિત્ર અખાત્રીજના પર્વે વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના સાનિધ્યમાં ફળોના રાજા એવી કેરીનો ભવ્ય અન્નકૂટ ધરાવીને 'આમ્રોત્સવ'ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. દાદાના આ દિવ્ય સ્વરૂપના દર્શન કરવા માટે વહેલી સવારથી જ હજારો હરિભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું.


બે ટન કેરીનો અદભૂત શણગાર

આમ્રોત્સવ નિમિત્તે હરિભક્તો દ્વારા અર્પણ કરવામાં આવેલી ૨૦૦૦ કિલો (૨ ટન) થી વધુ ઉચ્ચ ગુણવત્તાયુક્ત કેરીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મંદિરના ગર્ભગૃહ અને દાદાના સિંહાસનને આ કેરીઓથી અત્યંત કલાત્મક રીતે શણગારવામાં આવ્યું હતું. કેસરી અને પીળી કેરીઓની સુગંધથી સમગ્ર મંદિર પરિસર મહેકી ઉઠ્યું હતું. ભક્તો માટે આ નયનરમ્ય શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.


સુરતી વાઘામાં દાદાના મનમોહક દર્શન

આ ખાસ પ્રસંગે હનુમાનજી મહારાજને સુરતથી વિશેષ રીતે તૈયાર થઈને આવેલા દિવ્ય વાઘા પહેરાવવામાં આવ્યા હતા. આ શાહી વાઘામાં મોરની સુંદર ડિઝાઇનનું એમ્બ્રોડરી વર્ક કરવામાં આવ્યું હતું, જે દાદાની પ્રતિમાને અત્યંત તેજસ્વી અને મનમોહક બનાવી રહ્યું હતું. કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા દાદાની ભવ્ય શણગાર આરતી ઉતારવામાં આવી હતી, જેમાં હજારો ભક્તોએ 'જય કષ્ટભંજન'ના નાદ સાથે ભાગ લીધો હતો.


સેવા અને પ્રસાદનું આયોજન

પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી સ્વામીના માર્ગદર્શન હેઠળ આ મહોત્સવનું સુંદર આયોજન કરાયું હતું. અન્નકૂટમાં ધરાવવામાં આવેલી તમામ ૨૦૦૦ કિલો કેરીઓનો શુદ્ધ રસ તૈયાર કરવામાં આવ્યો હતો. આ કેરીનો રસ મંદિરમાં દર્શનાર્થે આવેલા હજારો હરિભક્તોને ભોજનાલયમાં મહાપ્રસાદ સ્વરૂપે પીરસવામાં આવ્યો હતો. ભક્તોએ દાદાના દર્શનની સાથે સાથે આ શાહી પ્રસાદનો પણ આનંદ માણ્યો હતો.


શ્રદ્ધાનું કેન્દ્ર સાળંગપુર

સાળંગપુર હનુમાનજી મંદિર હંમેશા તેના વિવિધ ઉત્સવો અને સખાવતી પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. અખાત્રીજના દિવસે કરવામાં આવેલો આ 'આમ્રોત્સવ' ભક્તોમાં પરંપરા અને ભક્તિનું મહત્વ જાળવી રાખવાનો એક સુંદર પ્રયાસ હતો. મહોત્સવના અંતે તમામ સ્વયંસેવકો અને ટ્રસ્ટી મંડળે સફળ આયોજન બદલ સંતોનો આભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application