સ્વચ્છ ભારત અભિયાન હેઠળ વિવિધ મંત્રાલયો અને વિભાગોમાંથી ભંગાર વેચીને કેન્દ્ર સરકારે લગભગ 800 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ઉપરાંત, આનાથી લગભગ 23.2 મિલિયન ચોરસ ફૂટ જમીન ખુલ્લી થઈ છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, લગભગ એક મહિના (2થી 31 ઓક્ટોબર) સુધી ચાલેલા આ સફાઈ અભિયાન દરમિયાન, રેકોર્ડ 23.2 મિલિયન ચોરસ ફૂટ જમીન જગ્યા ખાલી કરવામાં આવી છે, જ્યારે લગભગ 2.9 મિલિયન ભૌતિક ફાઇલો દૂર કરવામાં આવી છે.
સરકારી ઓફિસોમાં સ્વચ્છતા અભિયાન ૨૦૨૧માં શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારથી, સરકારે જંક અને જૂની સંપત્તિઓ વેચીને આશરે રૂ.૪,૧૦૦ કરોડની કમાણી કરી છે. અહેવાલો અનુસાર, આ અભિયાન હેઠળ આશરે ૧૧.૫૮ લાખ ઓફિસ સ્થળોને આવરી લેવામાં આવ્યા છે અને તેનું સંકલન વહીવટી સુધારા અને જાહેર ફરિયાદ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અને સુશાસન માટેના આહ્વાનથી પ્રેરિત, વાર્ષિક સ્વચ્છતા અને કાર્યક્ષમતા અભિયાન હવે વહીવટી સુધારાઓનો આધારસ્તંભ બની ગયું છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ત્રણ કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા, કે. રામ મોહન નાયડુ અને ડો. જીતેન્દ્ર સિંહે આ વિશાળ આંતર-મંત્રીસ્તરીય પ્રયાસનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં વિદેશમાં ભારતીય મિશન સહિત ૮૪ મંત્રાલયો અને વિભાગોએ ભાગ લીધો હતો. ગયા મહિને રાષ્ટ્રીય રાજધાનીના નહેરુ પાર્ક ખાતે વિશેષ સ્વચ્છતા અભિયાન ૫.૦ અભિયાનના પ્રારંભ દરમિયાન બોલતા, કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે આ અભિયાનથી શાસન અને જાહેર સેવાઓમાં દૃશ્યમાન ફેરફારો થયા છે.
સરકારે ઈ-વેસ્ટ અને સ્ક્રેપના વેચાણથી 3,296.71 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જ્યારે છેલ્લા ચાર વર્ષમાં 696.27 લાખ ચોરસ ફૂટથી વધુ ઓફિસ સ્પેસ સાફ કરીને ઉપયોગમાં લેવામાં આવી છે. તેમણે કહ્યું કે ઝુંબેશના અગાઉના તબક્કા દરમિયાન, દેશભરમાં 137.86 લાખથી વધુ જૂની ફાઇલો દૂર કરવામાં આવી છે અને 12.04 લાખથી વધુ જગ્યાઓ સાફ કરવામાં આવી છે.