BREAKING NEWS

પીએમ કેયર્સ ફંડમાં રૂ.8453 કરોડ જમા પણ ખર્ચાયા માત્ર 87.5 લાખ રૂપિયા

  • August 26, 2026 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રધાનમંત્રી નાગરિક સહાયતા અને આપાત સ્થિતિ રાહત કોષ એટલે કે 'પીએમ કેયર્સ ફંડ'માં સતત નાણાં વધી રહ્યા છે, પરંતુ જરૂરિયાતો માટે તેનો ઉપયોગ અત્યંત ઓછો થયો છે. વર્ષ ૨૦૨૨-૨૩થી ૨૦૨૪-૨૫ વચ્ચે આ ફંડમાં જમા રકમ ૨૫.૮ ટકા વધીને ૬,૭૨૨ કરોડ રૂપિયાથી ૮,૪૫૩ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. તેની સરખામણીએ આ સમયગાળા દરમિયાન ફંડમાંથી વપરાયેલી રકમ ૪૩૭.૯ કરોડ રૂપિયાથી ઘટીને માત્ર ૮૭.૫ લાખ રૂપિયા રહી ગઈ હતી. એટલે કે ૨૦૨૪-૨૫માં ઉપલબ્ધ કુલ ફંડનો માત્ર ૦.૦૧ ટકા હિસ્સો જ વાપરવામાં આવ્યો હતો. આ વપરાયેલી રકમનો મોટાભાગનો હિસ્સો 'પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રન' સ્કીમ હેઠળ ખર્ચવામાં આવ્યો હતો.


પીએમ કેયર્સ ફંડને મળતું દાન ઓછું થયું હોવા છતાં તેના કુલ ભંડોળમાં સતત વધારો નોંધાયો છે. તેનું મુખ્ય કારણ ફંડની જમા રકમ પર મળતું વ્યાજ છે. ૨૦૨૪-૨૫માં ફંડને વ્યાજ તરીકે ૪૭૫ કરોડ રૂપિયા મળ્યા હતા, જ્યારે દાન સ્વરૂપે ૪૮૦ કરોડ રૂપિયા આવ્યા હતા. એટલે કે દાન અને વ્યાજમાંથી થયેલી આવક લગભગ સરખી રહી હતી. વાસ્તવમાં ૨૦૨૩-૨૪માં કેન્દ્ર સરકારે ફંડની રકમને સેવિંગ્સ એકાઉન્ટમાંથી કાઢીને ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી)માં ટ્રાન્સફર કરી દીધી હતી, જેનાથી વ્યાજની આવકમાં વધારો થયો હતો. આ ઉપરાંત, બેંકમાંથી ટીડીએસ  રિફંડ તરીકે ૧૩.૪૯ લાખ રૂપિયા અને કામ પૂરું કરનારી એજન્સીઓ તરફથી ૩૨૪.૬૫ કરોડ રૂપિયાનું રિફંડ પાછું મળ્યું હતું, જેથી ફંડનું કુલ ભંડોળ વધી ગયું.


આંકડા અનુસાર, વર્ષ ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧માં એજન્સીઓ દ્વારા પરત કરવામાં આવેલી રકમ અનુક્રમે ૦૦ અને ૦.૨૫ કરોડ હતી. ૨૦૨૧-૨૨માં ૨૦.૮૧ કરોડ (એક ટકા), ૨૦૨૨-૨૩માં ૨૨૪.૮૩ કરોડ (૨૫ ટકા), ૨૦૨૩-૨૪માં ૮૪.૩૧ કરોડ (૧૨ ટકા) અને ૨૦૨૪-૨૫માં સૌથી વધુ ૩૨૪.૬૬ કરોડ રૂપિયા (કુલ દાનના ૬૮ ટકા) રકમ એજન્સીઓ દ્વારા ફંડમાં પરત કરવામાં આવી હતી.


નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ૩,૦૭૭ કરોડ પ્રાપ્ત થયા હતા અને ખર્ચ ઝીરો રહ્યો હતો. ૨૦૨૦-૨૧માં ૭,૯૧૪ કરોડ પ્રાપ્ત થવા સામે ૩,૯૭૬ કરોડ ખર્ચાયા હતા. ૨૦૨૧-૨૨માં ૨,૧૧૮ કરોડ સામે ૩,૭૧૬ કરોડ, ૨૦૨૨-૨૩માં ૧,૩૦૬ કરોડ સામે ૪૩૮ કરોડ, ૨૦૨૩-૨૪માં ૯૦૫ કરોડ સામે ૧૬ કરોડ અને ૨૦૨૪-૨૫માં ૧,૨૮૦ કરોડ રૂપિયા પ્રાપ્ત થયા હતા જ્યારે તેની સામે માત્ર ૦.૮૮ કરોડ (૮૭.૫ લાખ) રૂપિયા જ ખર્ચાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application