BREAKING NEWS

રશિયાનો યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો: ૬૦૦ ડ્રોન અને ૯૦ મિસાઇલો દાગી; કીવ ધ્રુજી ઉઠ્યું

  • May 24, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે અત્યંત ભયાનક સ્તરે પહોંચી ગયું છે. રશિયાએ યુક્રેનની રાજધાની કીવ અને તેની આસપાસના વિસ્તારો પર અત્યાર સુધીનો સૌથી મોટો અને વિનાશક હુમલો કર્યો છે. આ હુમલા દરમિયાન રશિયાએ ૬૦૦ ડ્રોન અને ૯૦ મિસાઇલોનો મારો ચલાવ્યો હતો, જેમાં રશિયાની સૌથી ઘાતક અને પરમાણુ શસ્ત્રો વહન કરવામાં સક્ષમ એવી ‘ઓરેશનિક’ (Oreshnik) હાઇપરસોનિક મિસાઇલનો પણ સમાવેશ થાય છે. આ પ્રચંડ હુમલામાં ૪ લોકોના મોત થયા છે અને ૮૦ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.


યુક્રેનની વાયુસેનાના જણાવ્યા અનુસાર, રશિયાએ આખી રાત કીવ અને નજીકના શહેરો પર બોમ્બમારો ચાલુ રાખ્યો હતો. આ હુમલામાં અનેક રહેણાંક મકાનો, શાળાઓ, દુકાનો અને સરકારી ઇમારતો સંપૂર્ણપણે નાશ પામી છે અથવા તો તેમાં ભીષણ આગ લાગી ગઈ છે. કીવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ આ રાતને શહેરના ઇતિહાસની સૌથી ડરામણી રાત ગણાવી છે.


મેટ્રો સ્ટેશનો બન્યા આશ્રયસ્થાન
જ્યારે આકાશમાંથી મિસાઇલો અને ડ્રોન વરસી રહ્યા હતા, ત્યારે કીવના હજારો નાગરિકો જીવ બચાવવા માટે દોડી ગયા હતા. લોકોએ આખી રાત ડરના ઓથાર હેઠળ મેટ્રો સ્ટેશનોની અંદર ભૂગર્ભમાં વિતાવી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ઉપર સતત થઈ રહેલા પ્રચંડ ધડાકાઓના કારણે જમીન ધ્રુજી રહી હતી અને સવાર પડતા જ આખા શહેરમાં માત્ર ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા.


ત્રીજી વખત વપરાયું રશિયાનું બ્રહ્માસ્ત્ર: ઓરેશનિક મિસાઇલ
આ હુમલાની સૌથી ચિંતાજનક બાબત ‘ઓરેશનિક’ હાઇપરસોનિક મિસાઇલનો ઉપયોગ છે. ફેબ્રુઆરી ૨૦૨૨ માં યુદ્ધ શરૂ થયા પછી રશિયાએ માત્ર ત્રીજી વખત આ મિસાઇલ દાગી છે.


રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના દાવા મુજબ, ઓરેશનિક મિસાઇલની ઝડપ અવાજની ગતિ કરતાં ૧૦ ગણી વધારે છે, જેના કારણે વિશ્વની કોઈ પણ એર ડિફેન્સ સિસ્ટમ તેને હવામાં રોકી શકતી નથી. આ હુમલામાં રશિયાએ ઇસ્કંદર, કિંઝાલ અને ઝિર્કોન જેવી અન્ય ઘાતક મિસાઇલોનો પણ મોટો જથ્થો વાપર્યો હતો.


ઉનાળા પહેલા પાણીની વ્યવસ્થા ખોરવવાનો રશિયાનો પ્લાન
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયાએ કીવથી આશરે ૬૪ કિલોમીટર દૂર આવેલા બિલા ત્સેરકવા શહેરને પણ નિશાન બનાવ્યું છે. રશિયાએ જાણીજોઈને યુક્રેનની વોટર સપ્લાય (પાણી પુરવઠા) ની સિસ્ટમને નુકસાન પહોંચાડ્યું છે, જેથી ઉનાળાની શરૂઆત પહેલા જ યુક્રેનના નાગરિકો તરસથી વ્યાકુળ થઈ જાય. જેલેન્સ્કીએ અમેરિકા અને યુરોપિયન દેશોને અપીલ કરી છે કે તેઓ રશિયાના આ આતંક વિરુદ્ધ તાત્કાલિક કડક આર્થિક અને સૈન્ય પગલાં ભરે.


રશિયાનો વળતો દાવો

બીજી તરફ, રશિયાના સંરક્ષણ મંત્રાલયે આ હુમલાને યોગ્ય ઠેરવતા જણાવ્યું છે કે યુક્રેન દ્વારા રશિયન સરહદની અંદર કરવામાં આવેલા હુમલાના જવાબમાં આ જવાબી કાર્યવાહી કરવામાં આવી છે. રશિયાનો દાવો છે કે તેમણે કોઈ નાગરિકોને નિશાન નથી બનાવ્યા, પરંતુ યુક્રેનના સૈન્ય ઠેકાણાઓ, એરબેઝ અને સેનાના કમાન્ડ સેન્ટરોને સફળતાપૂર્વક નષ્ટ કર્યા છે. હાલમાં કીવમાં ફાયર બ્રિગેડ અને બચાવ ટુકડીઓ કાટમાળ હટાવવાની કામગીરી કરી રહી છે અને મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application