રાજકોટ શહેરમાં બેફામ વાહન ચાલકોનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. યુનિવર્સિટી રોડ પર સાધુવાસવાણી ટી-પોઈન્ટ પાસે મોડી રાત્રે એક કરૂણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આકાશવાણી ચોક તરફથી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ધસી આવેલી રેનોલ્ટ સ્કાલા કારના ચાલકે એક્ટિવા મોટરસાઇકલ પર સવાર માતા-પુત્રને જોરદાર ટક્કર મારીને રોડ પર ફંગોળી દીધા હતા. આ ભયાનક અકસ્માતમાં આધેડ મહિલાનું સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે તેમનો યુવાન પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
મળતી વિગતો અનુસાર, સાધુવાસવાણી રોડ પર આવેલ અજંતા પાર્કમાં રહેતા જસુબા વિજયસિંહ તલાટીયા તથા તેમનો પુત્ર ચિરાગસિંહ વિજયસિંહ તલાટીયા મનહર પ્લોટ ખાતે આવેલા માઈ મંદિરે દર્શન કરીને રાત્રિના આશરે સવા બે વાગ્યાના અરસામાં પોતાના એક્ટિવા પર ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન યુનિવર્સિટી રોડ પર સાધુવાસવાણી ટી-પોઈન્ટ ચોકમાં પહોંચતા જ સામેથી આવતી રેનોલ્ટ સ્કાલા કારના ચાલકે પોતાના હવાલાવાળી કાર અત્યંત બેફીકરાઈથી ચલાવીને તેમના એક્ટિવાને સામેથી હડફેટે લીધું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને જણા એક્ટિવા સહિત રસ્તા પર પછડાતા ગંભીર રીતે ઘવાયા હતા.
અકસ્માત બાદ ઈજાગ્રસ્ત જસુબા અને તેમના પુત્ર ચિરાગસિંહને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, બંનેની હાલત અત્યંત નાજુક હોવાથી અને ઓપરેશનની જરૂરિયાત જણાયા બાદ પરિવારજનો દ્વારા તેમને વધુ સારવાર માટે ગિરિરાજ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા જસુબાનું ચાલુ સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ચિરાગસિંહને બંને પગમાં એકથી વધુ ફેક્ચર, હાથ તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ અર્ધબેભાન હાલતમાં સારવાર હેઠળ છે.
આ બનાવ અંગે મૃતકના સગા વિપુલસિંહ ભાવસિંહ ચાવડા (રહે. સાધુવાસવાણી રોડ, રાજકોટ) દ્વારા ગાંધીગ્રામ-૨ (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશનમાં રેનોલ્ટ સ્કાલા કારના અજાણ્યા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે કાર ચાલક સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કવાયત હાથ ધરી છે. અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા કાર ચાલકને ઝડપી પાડવા અને સમગ્ર બનાવની વધુ તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર એચ. એમ. ચાવડા દ્વારા ચલાવવામાં આવી રહી છે.