BREAKING NEWS

રશિયન તેલની રફ્તાર ઘટી, સાઉદી તેલની 'ધાર' વધી: આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે ભારતે બદલી આયાત રણનીતિ

  • February 23, 2026 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતની ક્રૂડ ઓઈલ (કચા તેલ) ની આયાત નીતિમાં ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન મોટો ફેરફાર જોવા મળ્યો છે. પશ્ચિમી દેશોના પ્રતિબંધોને કારણે રશિયાથી આવતા તેલના પ્રવાહમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેનો સીધો ફાયદો સાઉદી અરેબિયા અને અન્ય મધ્ય-પૂર્વના દેશોને મળી રહ્યો છે. હાલમાં સાઉદી અરેબિયા ભારત માટે નંબર-૧ સપ્લાયર બનીને ઉભર્યું છે.


આયાતના આંકડામાં મોટો ઘટાડો
ફેબ્રુઆરીના પ્રથમ ૧૮ દિવસના આંકડા દર્શાવે છે કે ભારતની કુલ તેલ આયાત ઘટીને સરેરાશ ૪૮.૫ લાખ બેરલ પ્રતિ દિવસ (bpd) રહી ગઈ છે. આ જાન્યુઆરીના ૫૨.૫ લાખ bpd ની સરખામણીએ ૮ ટકા જેટલો ઘટાડો દર્શાવે છે. રશિયન તેલની આયાત જે ડિસેમ્બર ૨૦૨૫માં ૧૨.૮ લાખ bpd હતી, તે ફેબ્રુઆરીમાં ઘટીને ૧૦.૯ લાખ bpd પર આવી ગઈ છે.


પ્રતિબંધોની સીધી અસર

રશિયન તેલમાં આવેલી આ મંદીનું મુખ્ય કારણ અમેરિકા અને યુરોપિયન યુનિયન (EU) દ્વારા લાદવામાં આવેલા નવા પ્રતિબંધો છે. યુરોપિયન યુનિયનનું તાજું પ્રતિબંધ પેકેજ અને રશિયન નિકાસકારો પરના અમેરિકી કડક નિયમોને કારણે ભારત માટે રશિયન તેલનું પેમેન્ટ અને શિપિંગ મુશ્કેલ બન્યું છે. વિશ્લેષકોના મતે માર્ચ ૨૦૨૬ સુધીમાં રશિયન તેલની આયાત હજુ ઘટીને ૮-૧૦ લાખ bpd સુધી જઈ શકે છે.


સાઉદી અરેબિયાનો 'સુવર્ણકાળ' ફરી શરૂ
રશિયાના ઘટાડાનો સીધો લાભ સાઉદી અરેબિયાને મળ્યો છે. ફેબ્રુઆરીમાં સાઉદી અરેબિયાથી તેલનો પ્રવાહ અંદાજે ૧૪ લાખ bpd નોંધાયો છે, જે નવેમ્બર ૨૦૧૯ પછીનું સર્વોચ્ચ સ્તર છે. ફેબ્રુઆરીમાં સપ્લાયર્સની યાદીમાં સાઉદી અરેબિયા પ્રથમ ક્રમે રશિયા બીજા ક્રમે અને ઈરાક ત્રીજા ક્રમે રહ્યું છે. 


ગ્લોબલ કોમોડિટી ડેટા એનાલિસ્ટ કંપની 'કેપ્લર'ના મતે ૨૦૨૬માં રશિયાનો હિસ્સો ધીમે-ધીમે ઘટીને એક ન્યૂનતમ સ્તરે સ્થિર થઈ જશે. ભારત અને અમેરિકા વચ્ચે એવી સમજૂતી બની છે કે ભારત પોતાની પાયાની જરૂરિયાતો માટે રશિયન તેલ ખરીદી શકે છે, પરંતુ તેને બહુ પ્રોત્સાહન આપી શકશે નહીં.


​​​​​​​ભારત અત્યારે ખૂબ જ કુશળતાપૂર્વક 'બેલેન્સિંગ એક્ટ' કરી રહ્યું છે. એક તરફ તે પોતાની ઉર્જા સુરક્ષા માટે રશિયા સાથે સંબંધ જાળવી રાખવા માંગે છે, તો બીજી તરફ વૈશ્વિક પ્રતિબંધો અને સાઉદી અરેબિયા જેવા વ્યૂહાત્મક ભાગીદારો સાથેના સંબંધોમાં પણ તિરાડ પડવા દેવા માંગતું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application