જામનગરમાં બ્રાસપાર્ટના બે એકમમાંથી રૂ.૧૮ લાખની જીએસટી ચોરી ઝડપાઇ છે. જો કે, જય ભવાની કાસ્ટીંગમાં એસજીએસટીની તપાસ પૂર્ણ થઇ છે. આ એકમમાં રાજ્ય બહારની ખરીદી અને મોટા આર્થિક વ્યવહારો ખૂલતા અધિકારીઓ પણ ચોેંકી ઉઠ્યા છે અને જંગી વેરા ચોરી ખૂલવાની આશંક વ્યકત કરી છે. આ એકમના માલીકે દ્રારા અન્ય પેઢી પાસેથી કેવી રીતે અને કેટલી ખરીદી કરવામાં આવી તેની ચકાસણી ચાલી રહી હોવાનું એસજીએસટીના અતરંગ સૂત્રોએ જણાવ્યું છે.
જીએસટી કૌંભાડનું એપી સેન્ટર બનેલા જામનગરમાં ડીજીજીઆઇ અને સેન્ટ્રલ જીએસટીની ટુકડીઓએ એક પછી એક જંગી વેરા ચોરી પકડી પાડતા ખળભળાટ સાથે ચકચાર મચી ગઇ છે. સ્થાનિક અને સ્ટેટ જીએસટીના અધિકારીઓને કૌંભાડની ગંધ સુઘ્ધા આવતી ન હોય કૌંભાડીયા તત્વોને મોકળું મેદાન મળ્યું છે. આ સ્થિતિમાં ઉંધ માંથી સફાળા જાગ્યા હોય તેમ સોમવારે સ્ટેટ જીએસટીની ટુકડીઓ દ્રારા શહેરના ઔધોગીક વિસ્તારોમાં દરોડા પાડી અલનૂર મેટલ, જય ભવાની કાસ્ટીંગ અને ચારભૂજા ઇન્ડસ્ટ્રીઝમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમ્યાન એસજીએસટીના અધિકારીઓએ ઇનવોઇઝ, ખરીદ-વેચાણના બીલ, કોમ્પ્યુટર સહીતના દસ્તાવેજોની ચકાસણી કરી હતી. બે દીવસ ચાલેલી તપાસના અંતે અલનૂર મેટલમાંથી રૂ.૮ લાખ અને ચારભૂજા ઇન્ડસ્ટ્રીઝમાંથી રૂ.૧૦ લાખથી વધુની જીએસટી ચોરી ઝડપાઇ હતી. જયારે જયભવાની કાસ્ટીંગમાં સતત ત્રીજા દીવસે એટલે કે બુધવારે મોડે સુધી તપાસ ચાલી હતી. આ પેઢીમાં તપાસ પૂર્ણ થઇ છે પરંતુ કેટલી જીએસટી ચોરી ઝડપાઇ તેની સતાવાર વિગતો સીજીએસટી વિભાગ દ્રારા જાહેર કરવામાં આવી નથી.
પરંતુ આ પેઢી દ્રારા રાજય બહારથી મોટી ખરીદી કરવામાં આવી હોય મોટા આર્થિક વ્યવહારો ખૂલ્યા હોવાનું એસજીએસટીના અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. આટલું જ નહીં રાજય બહારની પેઢીઓ પાસેથી કેવી રીતે અને કેટલી ખરીદી કરવામાં આવી તેની ચકાસણી ચાલી રહી હોવાનું પણ ઉમેર્યું છે. ત્યારે ચકાસણીના અંતે જંગી વેરા ચોરી ખૂલવાની આશંકા પણ અધિકારીઓએ દર્શાવી છે.