જામનગરમાં બ્રાસપાર્ટના ચાર એકમમાં એસજીએસટીની ટુકડીઓએ દરોડા પાડતા ઉધોગકારોમાં દોડધામ મચી ગઇ છે. જીએસટીના અધિકારીઓ દ્વારા ઔધોગીક પેઢીઓમાં તપાસ કરી ઇનવોઇસ, ખરીદ-વેચાણના બીલ સહીતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારે જીએસટી ચોરી કૌંભાડના હબ બનેલા જામનગરમાં બોગસ બીલીંગના વધુ એક રેકેટના પર્દાફાશની આશંકા અધિકારીઓએ વ્યકત કરી છે.
જામનગરમાં બોગસ બીલીંગ કરી કરોડો રૂપિયાની ખોટી ઇનપુટ ટેકસ ક્રેડીટ એટલે કે વેરાશાખ મેળવવાના કૌંભાડે હદ વટાવતા જામનગર જીએસટી કૌંભાડનું હબ બન્યું છે. આટલું જ નહીં રાજયના અન્ય શહેરોમાં ઝડપાતા જીએસટી કૌંભાડના કનેકશન પણ જામનગરમાં ખૂલી રહ્યા છે. સ્થાનિક અને સ્ટેટ જીએસટી અધિકારીઓની નિષ્ક્રીયતા, ઉદાસીનતા કે મીલીભગતના કારણે કૌંભાડોએ માઝા મૂકી છે તે તપાસનો વિષય બન્યો છે. કારણ કે, ખૂબજ ટૂંકાગાળામાં શહેરમાંથી ઝડપાયેલા એક પછી એક કરોડોના જીએસટી કૌંભાડ ડીજીજીઆઇ અને સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓએ સ્થાનિક અને સ્ટેટ જીએસટીના અધિકારીઓને અંધારામાં રાખી પકડી પાડયા છે. ત્યારે રહી રહીને આબરૂ બચાવવા અને કામગીરી દેખાડવા માટે સ્ટેટ જીએસટી હરકતમાં આવ્યું છે. કારણ કે, સોમવારે સ્ટેટ જીએસટીની ટુકડીઓ દ્રારા શહેરના ઔધોગીક વિસ્તારોમાં બ્રાસપાર્ટના એકમોમાં દરોડા પાડવામાં આવ્યા છે.
સ્ટેટ જીએસટીની ટુકડીઓએ શહેરના ઔધોગીક વિસ્તારોમાં આવેલા ચાર એકમમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન એસજીએસટીના અધિકારીઓએ ઇનવોઇઝ, ખરીદ-વેચાણના બીલ, કોમ્પ્યુટર સહીતના દસ્તાવેજોની ચકાસણી કરી શંકાસ્પદ સાહીત્ય કબ્જે કર્યું હતું. દરોડાની આ કાર્યવાહી મંગળવારે પણ યથાવત રહી હતી, પરંતુ કૌંભાડના હબ બનેલા જામનગરમાં વધુ એક મસમોટા બોગસ બીલીંગના રેકેટ ખુલવાની આશંકા વ્યકત કરી છે. એસજીએસટીના દરોડાના પગલે ઉધોગકારોમાં દોડધામ મચી ગઇ છે.
જામનગરના સીએને સુરત ડીજીજીઆઇનું તેડું, નિવેદન માટે બોલાવ્યા કે પછી..?
જામનગરમાં ગત તા.૭ જાન્યુઆરીના રોજ ડીરેકટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલીજન્સ(ડીજીજીઆઇ)ની સુરતની ટીમે શહેરના ગ્રીન સીટી રોડ પર આવેલી સીએ બીપીન ભંડેરીની ઓફીસમાં દરોડા પાડયા હતાં. બોગસ બીલીંગ અને જીએસટી નંબરની આશંકાના આધારે પાડવામાં આવેલા દરોડામાં ૩૦ કલાકથી વધુ સર્ચની કાર્યવાહી ચાલી હતી. આ દરમ્યાન ડીજીજીઆઇની ટીમના અધિકારીઓએ ફાઇલો, દસ્તાવેજો અને અન્ય સાહીત્ય તથા કોમ્પ્યુટર સહીતના ઇલેકટ્રોનીક ઉપકરણોની તપાસ કરી શંકાસ્પદ સાહીત્ય કબ્જે કર્યું હતું.
ત્યારબાદ સીએને ડીજીજીઆઇની ટીમે સુરતનું તેડું મોકલ્યું હતું. આથી તેે સુરત ગયા હતાં. ત્યારે ડીજીજીઆઇની ટીમે સીએને નિવેદન આપવા માટે કે પૂછપરછ માટે બોલાવ્યા છે? અને કાર્યવાહી પછી તેની ધરપકડ કરવામાં આવી છે કે કેમ તે તપાસનો વિષય બન્યો છે અને આ અંગે તરેહ તરેહની ચર્ચા સીએ તથા જીએસટી વર્તુળોમાં ચાલી રહી છે.