BREAKING NEWS

બગદાણામાં કોળી સમાજના યુવક પર હુમલા કેસમાં નવો વળાંક, માયાભાઈ આહીરના પુત્ર જયરાજને SITનું તેડું

  • January 21, 2026 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતના પવિત્ર ધામ બગદાણામાં નવનીત બાલધિયા પર હુમલા કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં રાજ્ય સરકારે એસઆઈટીની રચના કરી હતી અને તેના પાંચ સભ્યો દ્વારા તપાસ ચાલી રહી છે. એસઆઈટીએ હવે માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીરને સમન્સ પાઠવ્યું છે. આજે સાંજ સુધીમાં હાજર થવાનું એસઆઈટીનું ફરમાન છે. 


આજે સાંજે સાડા પાંચ કલાકે એસઆઈટી સમક્ષ હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે. જયરાજ આહીરની પૂછપરછ બાદ હુમલા કેસમાં નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.


ઉલ્લેખનીય છે કે, નવનીત બાલધિયાએ પોતાના પર થયેલા હુમલા પાછળ માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો. બે દિવસ પહેલા એસઆઈટી સમક્ષ નિવેદન આપવા આવેલા બાલધિયાએ હુમલા કેસનો લઈ એસઆઈટીને 15 પુરાવા આપ્યા હોવાનો દાવો કર્યો હતો.


નવનીત બાલધિયા પર થયેલા હુમલાના ગાંધીનગર સુધી ઘેરા પડઘા પડ્યા બાદ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી. ટીમ દ્વારા કેસ સાથે સંકળાયેલા પોલીસ ઈન્સપેક્ટરો અને ભોગ બનનાર નવનીત બાલધિયાનું નિવેદન લીધા બાદ હવે જયરાજ આહીરને હાજર થવા સમન્સ પાઠવ્યું છે. એસઆઈટી દ્વારા આજે બગદાણા હુમલા કેસમાં જયરાજ આહીરની નજીકના ગણાતા ચેતન સોની અને રામભા વાળાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.


બગદાણા હુમલા કેસમાં અત્યાર સુધીમાં નાજુ કામળીયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતિષ વનાળીયા, ભાવેશ સેલાળા, વિરુ સઈડા, પંકજ મેરની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આ બનાવમાં એસઆઈટી ટીમની રચના કરવામાં આવી હતી. ટિમની તપાસમાં પ્રથમ કાન ભીખા કામલિયા, સંજય ચાવડા અને દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોંલંકીની ધરપકડ કરી લેવામાં આવી હતી. અત્યારસુધીમાં આ કેસમાં 11 આરોપીઓ ઝડપાયા છે.


આ કેસની વિગત એવી છે કે, બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસે 29 ડિસેમ્બર, 2025ના રાત્રિના હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ એક જાન્યુઆરીએ હીરા સોલંકી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો, જેથી મેં માયાભાઈ આહીરને ફોન કરી જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી.

જેથી માયાભાઈએ કહ્યું હતું કે, હું માફી માગતો વીડિયો મોકલી આપું છું. તેને વીડિયો મોકલતા મેં મારા ચાર પાંચ મિત્રોને મોકલ્યો હતો. માયાભાઈએ માફી માગતાં તેના પુત્ર જયરાજને લાગી આવ્યું હતું, જેથી તેને મને ફોન કરી મળવા માટે કહ્યું હતું. મેં માયાભાઈને માફી માગવા માટે કહ્યું ન હતું તેને જ સામેથી વીડિયો મોકલ્યો હતો. માયાભાઈ આહીરે માફીનો વીડિયો બનાવ્યો એટલે તેના પુત્ર જયરાજે આખું ષડયંત્ર રચ્યું છે. પોલીસ મારો કેસ ડાઇવર્ટ કરી રહી છે. મારી માગ છે કે આ લોકો જ્યારે મને મારતા હતા ત્યારે વીડિયો કોલ કરી કોની સાથે વાત કરતા હતા પોલીસ તેની તપાસ કરે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application