ગુજરાતમાં દારૂબંધી માત્ર ચોપડા પર જ હોય તેવું લાગી રહ્યું છે. બુટલેગરો બેફામ દારૂની હેરાફેરી કરી રહ્યા છે. ત્યારે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલે ચોટીલાના નાની મોલડી ગામ પાસે આવેલી વડવાળા દર્શન હોટલના કમ્પાઉન્ડમાંથી કપાસની આડમા લઈ જવાતો રૂ.1.77 કરોડનો દારૂ ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી મુજબ, ચોટીલા હાઈવે પર નાની મોલડી ગામ પાસે આવેલી 'વડવાળા દર્શન' હોટલના કંપાઉન્ડમાંથી એસએમસીની ટીમે વિદેશી દારૂની ૨૮,૪૦૪ બોટલ(કિં.રૂ.૧,૭૭,૮૧,૩૬૦), ટ્રક અને પીકઅપ કિંમત (રૂ.૩૫ લાખ), કપાસના વેસ્ટ મટિરિયલના ૨૦૫ બંડલ (કિં.રૂ.૭૭,૯૦૦) સહિત કુલ રૂ.૨,૧૩,૬૧,૭૬૦ના મુદામાલ સાથે સાત શખ્સોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન અન્ય પાંચ શખ્સ હાજર મળી નહીં આવતા એસએમસીએ ૧૨ શખ્સ સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી માટે ચોટીલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. એસએમસીએ ઝડપી પાડેલો દારૂ પંજાબ, ચંડીગઢ, રાજસ્થાન અને મોહાલીની ડિસ્ટિલરીમાં બનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
દારૂના જથ્થા સાથે ઝડપાયેલા શખ્સોમાં મુકેશ વાલસિંગ માવી, બદીયા મંગુસિંગ દેવકા, પાતલીયા બેસી મસાનિયા, કુંવરસિંગ થાનસિંગ મીનાવા, રાકેશ વેરસિંગ મસાનિયા, નાંગરસિંગ કાલુસિંગ દેવકા અને કાલુ ભારુંભાઈ મસાનિયા (તમામ રહે. ભાણેજડા ગામ, તા.ચુડા, જિ. સુરેન્દ્રનગર)નો સમાવેશ થાય છે.
જ્યારે પાંચ આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સંજય અનક ખાચર (ઈંગ્લિશ દારૂ મંગાવનાર), રાજસ્થાન પાસિંગ ટ્રકનો ચાલક, ટ્રક માલિક, ટ્રક ક્લીનર અને ઈંગ્લીશ દારૂનો જથ્થો મોકલનારનો સમાવેશ થાયે છે.
એસએમસીની રેડથી સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. ચોટીલા હાઈવે પર આવેલ હોટલો સહિતના સ્થળો પરથી અવાર નવાર એસએમસીની ટીમ દ્વારા ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને કટિંગ ઝડપી ઝડપાયું છે. ત્યારે ફરી એકવખત ચોટીલા હાઈવે પર નાની મોલડી ગામ પાસેથી એસએમસી ટીમ દ્વારા ઈંગ્લીશ દારૃ સહિત રૂ.૨.૧૩ કરોડનો મુદામાલ કબજે કરતા સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ છે અને આ મામલે આગામી દિવસોમાં નવા જૂની થવાના એંધાણ પર વર્તાઈ રહ્યા છે.