BREAKING NEWS

સર્વિસ રાયફલથી પોતાની જ છાતીમાં ગોળી ધરબી...રાજકોટ CP કચેરીમાં SRP જવાનનો આપઘાત

  • December 12, 2025 09:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં પોલીસ કમિશનર કચેરી જેવા હાઈ-સિક્યોરિટી ઝોનમાં બનેલી હૃદયદ્રાવક ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. કમિશનર કચેરીમાં છેલ્લા ચાર મહિનાથી ફરજ બજાવતા SRP જવાન ગજુભા જિલુભા રાઠોડ (ઉંમર 50)એ પોતાની સર્વિસ રાઇફલથી છાતીમાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. મોડીરાતે, ગેટ નંબર-3 નજીક આ ઘટના બની હતી. ગોળી ચાલ્યાનો જોરદાર ધડાકા સાથે અવાજ સંભળાતા અન્ય જવાનો દોડી આવ્યા હતા અને ગંભીર હાલતમાં ગજુભાને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.


પહેલા  માલવિયનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા

ગજુભા રાઠોડ અગાઉ તેઓ માલવિયનગર પોલીસમથક હેઠળ PCR વાનમાં ફરજ બજાવતા હતા, ત્યારબાદ 112 જનરક્ષક ટીમમાં તેમની બદલી થઈ અને થોડા મહિનાંથી તેઓ કમિશનર કચેરી ખાતે એસઆરપી તરીકે તૈનાત હતા. છતાં પણ, રાત્રિના આશરે 3 વાગ્યાના સમયે તેમણે આકરા પગલું કેમ ભર્યું તેની સ્પષ્ટતા હજુ સુધી થઈ શકી નથી.


ઘટનાના મૂળ કારણો શોધવા માટે તપાસ તીવ્ર બનાવાઈ

પરિવારજનો શોકમાં હોવાથી તેઓ કોઈ નિવેદન આપી રહ્યા નથી, જ્યારે પ્રદ્યુમનનગર પોલીસે ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરી છે. જવાનના મૃત્યુને લઈને પોલીસ વિભાગમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. ફરજ દરમિયાન જવાન આત્મહત્યા કરે તેવો બનાવ દુર્લભ ગણાય છે, જેથી આ ઘટનાના મૂળ કારણો શોધવા માટે તપાસ તીવ્ર બનાવાઈ છે.


પોલીસબેડામાં શોકનું મોજું પ્રસરી ગયું

ગજુભા રાઠોડના અચાનક અવસાનથી તેમના સહકર્મીઓ અને અધિકારીઓમાં પણ શોક અને આશ્ચર્યનો મહોલ છવાઈ ગયો છે. પોલીસે ફોન રેકોર્ડ, શિફ્ટ ડીટેલ અને તેમના નજીકની વ્યક્તિઓના નિવેદન સહિતની તમામ દિશામાં તપાસ શરૂ કરી છે. ઘટના પાછળનું વાસ્તવિક કારણ બહાર આવતાં સુધી આ કેસ અનેક પ્રશ્નો ઊભા કરી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application