રાજકોટના ઢેબર રોડ એસટી બસપોર્ટ ખાતેથી ગાંધીનગર જવા માટે વોલ્વો બસ મળશે, આગામી તા.૨૦ જાન્યુઆરી ને મંગળવારના રોજ આ નવી પ્રીમિયમ બસ સેવાને પશ્ચિમ રાજકોટના ભાજપના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહના હસ્તે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાશે.
રાજકોટ ગાંધીનગર વોલ્વો એસી સીટર બસ દરરોજ સાંજે ૪:૦૦ કલાકે રાજકોટ બસપોર્ટથી ઉપડશે અને ચોટીલા હાઇવે, સાયલા, લીંબડી, બગોદરા, ઇસ્કોન, નહેરૂ નગર, રાણીપ થઇ રાત્રે ૯:૦૦ કલાકે ગાંધીનગર પહોંચાડશે. જ્યારે ગાંધીનગરથી દરરોજ સવારે ૭:૩૦ કલાકે બસ ઉપડશે અને બપોરે ૧૨:૩૦ કલાકે રાજકોટ પહોંચાડશે. આ એરકન્ડીશન વોલ્વો બસમાં રાજકોટથી ગાંધીનગરનું મુસાફર ભાડું રૂ.૪૫૨ છે.