સલાયા દ્વારકા જિલ્લાનું છેવાડાનું બંદર છે.અહીં લોકોનો મુખ્ય આર્થિક સ્ત્રોત ફિશીંગ અને વહાણવટાનો વ્યવસાય છે. અંદાજે ૪૫૦૦૦ આસપાસની સલાયાની વસ્તીમાં અનેક પરિવારો વહાણવટાના વ્યવસાય સાથે જોડાયેલ છે. વરસાદી સીઝનમાં સલાયાના વહાણો વિદેશના ગલ્ફના દેશોમાંથી પરત ફરી અને સલાયા બંદરે લાંગરવામાં આવે છે.જ્યાં ઓફ સીઝનમાં બે મહિના દરિયામાં જવાની પરવાનગી ન હોય ત્યારે વહાણોમાં સમારકામ અને જરૂરી રિપેરિંગ કરવામાં આવે છે.
આ વહાણ સલાયાથી લીગલ પ્રોસિઝર પૂર્ણ કરી દરેક ખલાસી અને ટંડેલ વગેરેની ઇમિગ્રેશન પ્રક્રિયા કરી અને પોરબંદર,મુન્દ્રા જેવા મોટા બંદરેથી માલ ભરી અને ગલ્ફના દેશોમા વિદેશમાં માલ ભરીને જાય છે.આ માલવાહક વહાણોનું દેશના અર્થતંત્રમાં પણ ખૂબ મોટું યોગદાન હોઈ છે. પરંતુ છેલા બે મહિનાથી એટલે કે સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાથી અચાનક સલાયામાં થતી ઇમિગ્રેશન પ્રક્રિયા બંધ કરી દેવાઈ અને વહાણવટીઓ માટે કપરો સમય ચાલુ થયો! અહીંની જુદી જુદી સંસ્થાઓ તેમજ વહાણવટીઓ દ્વારા અનેક રજૂઆત છતાં આ વહાણોની ઇમિગ્રેશન પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલ નથી. અહીંના વહાણવટા સાથે સબંધિત પ્રતિનિધિ મંડળો ગાંધીનગર અને દિલ્હી સુધી રજૂઆત માટે ગયા હોવાનું પણ જાણવા મળેલ છે. છતાં પણ હજુ માત્રને માત્ર સરકારી અધિકારીઓ દ્વારા ફક્ત આશ્વાસન મળતું રહે છે. પરંતુ ઇમિગ્રેશન પક્રિયા ચાલુ થયેલ નથી.
હાલમાં સલાયામાં ૪૦ થી ૫૦ જેટલા માલવાહક વહાણો પૂર્ણ તૈયારી સાથે લાંગરેલ છે.જેમાં મોટી માત્રામાં રાશન તેમજ અન્ય જીવન જરી તમામ વસ્તુઓ સાથે તૈયાર છે. પરંતુ ઇમિગ્રેશન પ્રક્રિયા બંધ હોય માલ સાથે એમનેમ બંદરે લાંગરેલ પડ્યા છે.એક વહાણમાં અંદાજે ટંડેલ અને ખલાસીઓ થઈ ૨૦ થી ૨૫ જેટલા માણસો હોય છે.એટલે કે એક વહાણ ૨૫ પરિવારને નિભાવે છે.આવા ૪૦ થી ૫૦ વહાણો હાલ તૈયાર છે.પરંતુ ઇમિગ્રેશન પ્રક્રિયા બંધ હોય એ અહીં જ પડ્યા છે.જેથી અંદાજે ૧૨૦૦ જેટલા પરિવાર હાલ આર્થિક સંકટ ભોગવી રહ્યું છે! આ શિવાય પણ વહાણો સમયસર ન નીકળવાથી અનેક વેપારીઓ તેમજ આ ધંધા સાથે સંકળાયેલ લોકો તેમજ વહાણ માલિકો પણ ભારે આર્થિક સંકટ ભોગવી રહ્યા છે.
આ શિવાય આ માલ વાહક વહાણો આ કારણોના લીધે બહાર જઈ શકતા ન હોય અહીંથી જે માલ વિદેશ મોકલવાનો હોય છે એ અન્ય વિદેશી કંપનીઓના મોટા શીપમાં ક્ધટેનરમાં મોકલી આપવામાં આવે છે.જેથી આપણા દેશને પણ મોટું આર્થિક નુકશાન જઈ રહ્યું છે. માટે આ બાબતે સરકારએ યોગ્ય નિર્ણય લઈ અને આ ઇમિગ્રેશનની પ્રક્રિયા તુરંત સલાયામાં ચાલુ કરવા માંગ કરાઈ છે.