રામ રચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત એનિમલ હોસ્પિટલના પ્રાંગણમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રધ્વજનું ગૌરવપૂર્વક ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ ધ્વજવંદનની વિશેષતા એ હતી કે કાર્યક્રમ દરમિયાન ગાયને સાથે રાખી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી, જે કાર્યક્રમને એક વિશિષ્ટ સંદેશ સાથે જોડે છે.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આજની નવી પેઢીમાં જાગૃતિ લાવવાનો હતો કે જાહેર સ્થળોએ ફેંકવામાં આવતો કચરો ઘણી વખત ગાય દ્વારા ખવાઈ જાય છે, જેના કારણે ગાય બીમાર પડે છે. વિદ્યાર્થીઓને એનિમલ હોસ્પિટલની મુલાકાત દ્વારા બીમાર ગાયોની સારવાર કેવી રીતે કરવામાં આવે છે તેની માહિતી આપવામાં આવી અને પ્રત્યક્ષ અનુભવ કરાવવામાં આવ્યો હતો.
આ ઉપરાંત હાલમાં ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની જે મુહિમ ચાલી રહી છે, તેના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દ્વારા એવો સંદેશ આપવામાં આવ્યો કે રાષ્ટ્રપ્રેમ જેટલો જરૂરી છે, એટલો જ ગૌપ્રેમ અને પ્રાણીઓ પ્રત્યેની સંવેદનશીલતા પણ આવશ્યક છે.
હરિવંદના કોલેજ અને રામ રચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમ દેશભક્તિ સાથે સામાજિક જવાબદારી અને પ્રાણીઓ પ્રત્યે કરુણાની ભાવનાને મજબૂત બનાવતો એક પ્રશંસનીય પ્રયાસ રહ્યો.