રાજકોટ શહેરના મંગળા રોડ વિસ્તારમાં મુરઘા ગેંગ અને પેંડા ગેંગ વચ્ચે થયેલી ધાણીફૂટ ફાયરિંગની ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી. ગેંગવોરના આ બનાવમાં જાહેર માર્ગ પર ગોળીબાર થતાં વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ ગંભીર ઘટનાના મુખ્ય આરોપી અને મુરઘા ગેંગનો મુખ્ય સુત્રધાર સમીર ઉર્ફે સંજલાને રાજકોટ એસઓજી પોલીસે ઝડપી લઈ મોટી સફળતા મેળવી છે.
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ફાયરિંગની ઘટના બાદ આરોપી પોલીસની પકડમાંથી બચવા માટે સતત સ્થળ બદલી રહ્યો હતો. સમીર ઉર્ફે સંજલા કડી-કલોલ વિસ્તારમાં મહિલાના કપડાં પહેરીને છુપાઈને ફરતો હતો, જેથી કોઈને શંકા ન જાય. જોકે, એસઓજી પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારે તેને દબોચી લીધો હતો. આજે પોલીસે આરોપી પાસેથી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. રિ-કન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ ફાયરિંગ કેવી રીતે કરવામાં આવ્યું, ક્યાંથી હુમલો થયો અને કઈ રીતે ફરાર થયો તેની વિગત પોલીસને બતાવી હતી.
શું છે સમગ્ર ઘટના?
રાજકોટના મંગળા રોડ પર 29 ઓક્ટોબરની વહેલી સવારે 3.30 વાગ્યે જાહેર રોડ ઉપર સામસામે ફાયરીંગનો બનાવ બન્યો હતો. જેમાં બન્ને પક્ષે સમાધાન કરી લેતા પોલીસે ખુદ ફરિયાદી બની આરોપીઓ વિરુધ્ધ હત્યાની કોશિશ, રાયોટિંગ, આર્મ્સ એક્ટ સહિતં કલમ હેઠળ ગુનો નોંધી આસપાસના CCTV ફૂટેજ અંગે તપાસ શરૂ કરી હતી અને હોસ્પિટલના સિક્યોરિટી તેમજ આસપાસના લોકોની પૂછપરછ કરી હતી. પોલીસે મુરઘા ગેંગના સાત લોકો સામે નામ જોગ ફરિયાદ નોંધી હતી જે પૈકી 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા.
રાજકોટના મંગળા રોડ પર ગત તારીખ 29 ઓક્ટોબરના રોજ વહેલી સવારે 3.30 વાગ્યે પેંડા ગેંગ અને મુર્ગા ગેંગ વચ્ચે સામસામે અંધાધૂંધ ફાયરિંગની ઘટનામાં પોલીસે પેંડા ગેંગના સાત આરોપી બાદ મુર્ગા ગેંગના 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપી અબ્દુલ્લા ઉર્ફે દુલિયો ધાડા, શોયબ ઉર્ફે સાહિલ દિવાન અને અમન ઉર્ફે મરઘો પીપરવાડીયાની ધરપકડ કરી હતી.
અગાઉ પણ અદાવત રાખી ફાયરિંગ કરવામાં આવ્યા હતા
આ બનાવની પાછળ બંને જૂથ વચ્ચે ચાલી આવતી જૂની અદાવત કારણભૂત હોવાની આરોપીઓએ કબૂલાત આપી છે. જાન્યુઆરી મહિનામાં એક યુવતી સાથેના સંબંધને લઇ બંને જૂથ વચ્ચે રાગદ્વેષ શરૂ થયો હતો અને ત્યારે પણ ફાયરિંગની ઘટના બની હતી. આ પછી ફરી ઓગસ્ટ મહિનામાં એ જ વાતનો ખાર રાખી ફાયરિંગ કરવામાં આવ્યા હતા.
હવે ફરી ત્રીજી વખત 29 તારીખના રોજ ફાયરિંગના બનાવને અંજામ આપવામાં આવ્યો હતો, જેમાં કુલ ત્રણ આરોપીઓ દ્વારા બંને પક્ષે સામસામે ફાયરિંગ કરવામાં આવ્યા હતા. આરોપી હર્ષદીપસિંહ ઉર્ફે મેટિયો ઝાલા, જીજ્ઞેશ ઉર્ફે ભયલુ રાબા અને સામાં પક્ષે સમીર ઉર્ફે સંજય ઉર્ફે મૂર્ઘો જુણેજા દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.