BREAKING NEWS

સાણંદ સેમિકન્ડક્ટરથી અમેરિકા અને આખી દુનિયાને પાવર આપશેઃ PM મોદી

  • March 31, 2026 02:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને તેમના પ્રવાસની શરૂઆત ગાંધીનગરના કોબા તીર્થ ખાતે મહાવીર જયંતીના પવિત્ર અવસરે નવનિર્મિત ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ના લોકાર્પણ સાથે કરી હતી. બાદમાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, અશાંતિની આગમાં દાઝી રહેલા વિશ્વને સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમમાં  શાંતિ મળશે. બાદમાં સાણંદમાં  કેઇન્સ સેમિકોનના આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે, સાણંદ સેમિકન્ડક્ટરથી અમેરિકા અને આખી દુનિયાને પાવર આપશે. 


સાણંદ, ધોલેરા આજે સેમિકોન વેલી તરફ આગળ વધ્યું

મોદીએ કહ્યું કે, સાણંદ, ધોલેરા આજે સેમિકોન વેલી તરફ આગળ વધી રહ્યું છે. આ માત્ર સંયોગ નથી. ભારત સેમી કંડકટર ક્ષેત્રમાં કેટલું આગળ વધી રહ્યું છે. ભારતની કંપનીએ સેમી કંડક્ટર ચિપ બનાવવા રસ દાખવ્યો અને પરિણામ સામે છે. જેનાથી હું ખુશ છું. દરેક ભારતવાસી માટે ગર્વની ક્ષણ છે. દુનિયાને એક સેમી કંડક્ટર સપ્લાય ચેઇન આપવા જઈ રહી છે. મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર વર્લ્ડ ને ચરિતાર્થ કરે છે. સવારે ડિવાઇનવાળા કાર્યક્રમમાં હતો અને અત્યારે ડિજિટલ કાર્યક્રમમાં છું. આપણી ભારતની કેઇન્સ કંપની ગ્લોબલ સપ્લાય ચેઇનનનો હિસ્સો બની ગઈ છે. ભારતની ઘણી કંપનીઓ દુનિયાને સેમિકન્ડક્ટર ચેઇન સપ્લાય આપશે. ભારત ગ્લોબલ માર્કેટમાં સેમિકન્ડક્ટરમાં ભરોસો બનશે. અહીં થતા પ્રોડક્શનનો પહેલો ભાગ બુક પણ થઈ ગયો છે. 


400 યુનિવર્સિટી અને સ્ટાર્ટઅપને ડિઝાઇન તૈયાર કરવા મંજૂરી આપી

મોદીએ કહ્યું કે, 21મી સદીનો આ દાયકો દુનિયા માટે અનેક મુશ્કેલીઓ લઈને આવ્યો છે. સપ્લાય ચેઇનમાં બ્રેક લાગવાથી માનવતાનો વિકાસ અટકે છે. કોરોના સમયે જ નક્કી કર્યું હતું કે ભારત સેમિ કંડક્ટર માટે હબ બનશે. 2021માં ભારતે ઈન્ડિયા સેમિ કંડકટર મિશન શરૂ કર્યું હતું. આ મિશન અંતર્ગત દેશના છ રાજ્યોમાં 1.60 લાખ કરોડના કામો થાય છે. સેમી કંડક્ટર ચિપ ઉત્પાદનમાં આધુનિક માઇક્રો પ્રોસેસર વિકસિત કર્યું છે. જેનાથી ફાઇવ-જી તેમજ અનેક સેક્ટર માટે સુરક્ષિત પ્લેટફોર્મ મળ્યું છે. આ વર્ષના બજેટમાં ઈન્ડિયા સેમિ કંડકટર મિશન 2.0ની જાહેરાત કરી છે. આખી ઈકો સિસ્ટમ જરૂર પડશે ત્યારે ટ્રેનિંગ સેન્ટરની પણ શરૂઆત થશે. 400 યુનિવર્સિટી અને સ્ટાર્ટઅપને ડિઝાઇન તૈયાર કરવા મંજૂરી આપી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application