BREAKING NEWS

ખાડા વગરનો સરદાર નગર રોડ ખોદી નાખ્યો

  • November 07, 2025 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ શહેરમાં જો બારેય મહિના ચાલતી કોઇ પ્રવૃતિ હોય તો તે ખોદકામ છે અને જો સૌથી વધુ ખોદકામ કરવા બદલ કોઇ એવોર્ડ અપાતો હોય તે રાજકોટ મહાપાલિકાને જ મળે ! ચોમાસા દરમિયાન સમગ્ર રાજકોટના તમામ મુખ્ય માર્ગો ઉપર ખાડા પડી ગયા હતા પરંતુ સરદાર નગર મેઇન રોડ એક જ એવો મેઇન રોડ હતો કે જ્યાં ખાડા પડ્યા ન હતા, દરમિયાન મહાપાલિકાને આ વાત મંજૂર ન હોય તેમ હવે સરદાર નગર મેઇન રોડ ઉપર ખોદકામ શરૂ કર્યું છે. મહાપાલિકા પાસે કારણો અનેક હોય છે પરંતુ કામ એક જ હોય છે અને તે છે ખોદકામ.

રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૭માં ડો.યાજ્ઞિક રોડથી શરૂ થતા અને ટાગોર માર્ગના એસ્ટ્રોન ચોકમાં પૂર્ણ થતા ધમધમતા બજાર વિસ્તાર સરદાર નગર મેઇન રોડ પીવાના પાણી માટેની ડક્ટ આયર્ન (ડીઆઇ) પાઇપલાઇન નાખવા માટે સરદાર નગર મેઇન રોડ ઉપર હાલ કૈલાસ ફરસાણ તરફની સાઇડથી ખોદકામ શરૂ કર્યું છે એ તરફનો પૂરો રોડ ખોદી નાખ્યો છે, હવે એકાદ બે દિવસમાં સામેની બાજુએ પણ ખોદકામ શરૂ કરાશે તેમ મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું.

સરદાર નગર મેઇન રોડ ઉપર ખોદકામ શરૂ કરતાં કિંગ્સ પ્લાઝા, ટ્રેડ સેન્ટર, અમૃત, માયા, આશિષ, બ્રહ્મા, માતોશ્રી, પ્લસ સહિતના કુલ ૨૦થી વધુ કૉમ્પ્લેક્સના દુકાન અને શોરૂમ તેમજ ઓફિસ ધારકો પરેશાન થઇ ગયા છે કારણ કે તેમના માર્જિન પાર્કિંગ નજીકમાં જ ખોદકામ કરવામાં આવી રહ્યું હોય દુકાને આવતા ગ્રાહકો તેમના વાહનો રોડની સામેની બાજુએ પાર્ક કરવા લાગ્યા છે જેના લીધે સામેની તરફના દુકાનદારોને તેમને ત્યાં આવતા ગ્રાહકો માટે વાહન પાર્કિંગની જગ્યા ઉપલબ્ધ રહેતી નથી. તદઉપરાંત દિવસે ખોદકામ કરાતું હોય ટ્રાફિક પ્રશ્ન પણ સર્જાય રહ્યો છે.

દરમિયાન આ અંગે મ્યુનિ.સિટી એન્જિનિયર રાવલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે સરદાર નગર રોડ ઉપર હાલ એક તરફ ખોદકામ કરાયું છે જે પૂર્ણ થતા તુરંત સામેની તરફ પણ ખોદકામ કરાશે અને હજુ એકાદ સપ્તાહ સુધી અહીં ખોદકામની કામગીરી ચાલુ રહેશે. ડીઆઇ લાઇન ઇન્સ્ટોલેશન અને ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ થયા બાદ ત્યાં આગળ પુરાણ કરી પેવર કરાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application