BREAKING NEWS

સરદાર સરોવર નર્મદા ડેમમાં ૧,૧૨,૭૨૨ ક્યુસેક પાણીની આવકઃ સપાટીમાં 1.5 મીટરનો વધારો

  • August 01, 2026 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં ચોમાસાના સાર્વત્રિક અને મનમૂકીને વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના જળાશયોમાં પાણીની આવકમાં મોટો ઉછાળો આવ્યો છે. રાજ્યની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા ૨૪ કલાકમાં જ ધરખમ વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી સતત થઈ રહેલી વિપુલ પાણીની આવકને કારણે ડેમની સપાટી વધી રહી છે. ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ થવાના કારણે હાલ સરદાર સરોવર ડેમમાં ૧,૧૨,૭૨૨ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. 

આ સતત આવકના પરિણામે ડેમની જળસપાટી ૧૩૦.૪૭ મીટર પર પહોંચી ગઈ છે. વર્તમાન ચોમાસાની સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ ૧૩૦ મીટરની સપાટી વટાવી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં જ ડેમની સપાટીમાં ૧.૫ મીટરનો જંગી વધારો થયો છે. આ સાથે જ નર્મદા ડેમ તેની કુલ જળસંગ્રહ ક્ષમતાના ૭૪.૪૬ ટકા જેટલો ભરાઈ ચૂક્યો છે.

આજે સવારે છ વાગ્યાની સ્થિતિ મુજબ સરદાર સરોવર સહિત રાજ્યના તમામ ૨૦૭ નાના-મોટા ડેમોમાં તેમની કુલ ક્ષમતાના પ૮.૬૫ ટકા પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે. જો સરદાર સરોવર ડેમને બાદ કરવામાં આવે તો રાજ્યના અન્ય ૨૦૬ ડેમોમાં સરેરાશ ૪૯.૧૯ ટકા પાણી ઉપલબ્ધ છે. સરદાર સરોવર સિવાયના આ ૨૦૬ મુખ્ય ડેમોમાંથી કુલ ૧૫ ડેમો સંપૂર્ણ એટલે કે ૧૦૦ ટકા ભરાઈ ગયા છે, જે ચોમાસાની શરૂઆતમાં જ મોટી રાહત સમાન છે.

રાજ્યના વિવિધ ઝોનની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતના ૧૭ મુખ્ય ડેમોમાં ૫૧.૬૯ ટકા પાણીનો જથ્થો છે, જેમાં સૌથી વધુ સાત ડેમો સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે. મધ્ય ગુજરાતના ૧૭ ડેમો ૫૨.૫૯ ટકા ભરાયા છે અને ત્યાં એક ડેમ ઓવરફ્લો છે. સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમોમાં ૪૭.૬૫ ટકા પાણીનો સંગ્રહ થયો છે, જેમાંથી એક ડેમ પૂર્ણ ભરાયેલો છે. ઉત્તર ગુજરાતના ૧૫ ડેમોમાં ૪૦.૦૯ ટકા જ્યારે કચ્છના ૨૦ ડેમોમાં ૨૪.૭૪ ટકા પાણી ઉપલબ્ધ છે, અને કચ્છમાં એક ડેમ સંપૂર્ણ ભરાયો છે. ઉત્તર ગુજરાતમાં હજુ સુધી એકપણ ડેમ સંપૂર્ણ ભરાયો નથી.

પાણીની આવકને પગલે રાજ્યના બાવીસ ડેમો એવા છે જેમાં ૯૦ ટકા કરતા વધુ પાણી ભરાઈ જતાં તેમને 'હાઈ એલર્ટ' પર મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત ૮૦ થી ૯૦ ટકા પાણી ધરાવતા આઠ ડેમોને 'એલર્ટ' પર અને ૭૦ થી ૮૦ ટકા પાણી ધરાવતા ૧૧ ડેમોને 'વોર્નિંગ' પર રાખવામાં આવ્યા છે. જ્યારે ૧૬૫ ડેમોમાં હજુ ૭૦ ટકા કરતા ઓછું પાણી હોવાથી ત્યાં કોઈ વોર્નિંગ નથી. રાજ્યમાં જળસંગ્રહની આ સ્થિતિ આગામી સમયમાં પીવાના અને પિયતના પાણીની સમસ્યા હળવી કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News