સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ત્રણ મહિનાના અપવાદને બાદ કરતા છેલ્લા દસ વર્ષથી ખાલી પડેલી રજીસ્ટ્રાર જેવી મહત્વની જગ્યા હવે નજીકના દિવસોમાં ભરાઈ જાય તેની શક્યતા છે. ખાલી પડેલી જગ્યા માટે ઉમેદવારોના ઇન્ટરવ્યૂની પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવી છે.
યુનિવર્સિટી સુત્રોના જણાવ્યા મુજબ કુલ 12 ઉમેદવારોએ રજીસ્ટ્રારની ખાલી પોસ્ટ માટે અરજી કરી હતી. પરંતુ શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર સહિતની જુદી જુદી બાબતોને ધ્યાનમાં રાખી નવ ઉમેદવારોની અરજી રદ કરવામાં આવી હતી. સક્રુટીનીના પ્રથમ તબક્કામાં જ નવ અરજીઓ રદ થયા પછી ત્રણ ઉમેદવારો માટે ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવ્યા હતા. શનિવારે તારીખ 3 ના રોજ યોજવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના કાયમી રજીસ્ટ્રાર અજયસિંહ જાડેજા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસર મનીષભાઈ ધામેચા તથા સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર જાદવે ઇન્ટરવ્યૂ આપ્યા હતા.
ઇન્ટરવ્યૂ પ્રક્રિયા બાબતે યુનિવર્સિટીના સત્તાવાળાઓ કશું બોલવા તૈયાર નથી પરંતુ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અજયસિંહ જાડેજા પસંદ થાય તેવું લાગે છે. જોકે સત્તાવાર રીતે નામની જાહેરાત કરતા પહેલા હજુ ઘણી બધી પ્રક્રિયા કરવાની બાકી રહે છે. આવતીકાલે યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક મળનારી છે અને તેમાં આ સમગ્ર રિપોર્ટ રજૂ કરવામાં આવશે. એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બહાલી મળ્યા પછી સમગ્ર બાબત બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મૂકવામાં આવશે અને ત્યાંથી મંજૂરી મળ્યા પછી તમામ વિગતો સાથેનો રિપોર્ટ રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગને મોકલવામાં આવશે. ઉચ્ચ શિક્ષણ વિભાગ તરફથી મંજૂરી મળ્યા બાદ પસંદ થયેલા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application