BREAKING NEWS

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ભરતીના મામલે ફેરવી તોળ્યું: ગોટાળો ગેમ પ્લાન?

  • January 07, 2026 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાંબા સમયથી ખાલી પડેલી નોનટીચિગ સ્ટાફની 72 જગ્યાઓ ફિક્સ પગારથી પાંચ વર્ષ માટે ભરવામાં આવશે તેવી જાહેરાત અખબારોમાં સત્તાવાર રીતે પ્રસિદ્ધ કર્યા પછી ગણતરીના દિવસોમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આશ્ચર્યજનક રીતે તેમાં ફેરફાર કરી દીધો છે અને હવે આ તમામ જગ્યાઓ પાંચ વર્ષના ફિક્સ પગારની નિમણૂકથી નહીં પરંતુ કાયમી નિમણૂકથી ભરવામાં આવશે તેવી જાહેરાત કરી છે.


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અમુક અધિકારીઓ જણાવે છે આ બધું અનાયાસે થઈ રહ્યું નથી. વ્યવસ્થિત આયોજનના ભાગરૂપે થઈ રહ્યું છે. પાંચ વર્ષના ફિક્સ પગારથી નોકરી કરવાની વાત હોય અનેક અરજદારોએ એપ્લિકેશન કરી નથી અને હવે કાયમી ભરતી છે તેવું જણાવીને આવા અરજદારોની તક પછી છિનવી લીધી છે. જે લોકો આવું થશે તે જાણતા હતા તેમણે તો પ્રથમથી જ નિયત સમય મર્યાદામાં અરજી કરી દીધી છે.


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રિક્રુટમેન્ટ સેલ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ બિન શૈક્ષણિક જગ્યા માટે સાતમા પગાર પંચ હેઠળ લેવલ-8 સ્કેલ રૂપિયા 44,900- 1,42,400 નું પગાર ધોરણ પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગારથી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ગુજરાત સરકારના પબ્લિક યુનિવર્સિટી યુનિફોર્મ સ્ટેચ્યુટ 2024 ના સ્ટેચ્યુટ 88 મુજબ આ પગાર લેવલમાં જ સીધી કાયમી ભરતી કરવામાં આવશે.


યુનિવર્સિટીનો સ્ટેચ્યુટ ઘણા સમયથી અમલમાં આવ્યો છે અને તેની કલમ 88 બાબતે યુનિવર્સિટીના સત્તાવાળાઓનું મોડે મોડે ધ્યાન ગયું હોવાની વાત ગળે ઉતરે તેવી નથી. આ ગેમ પ્લાનના ભાગરૂપે બધું થઈ રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. શૈક્ષણિક સ્ટાફની ભરતીમાં પણ આવા ગોટાળા થયા હોવાનું યુનિવર્સિટીના અધિકારીઓ જણાવે છે. મુખ્ય જાહેરાત સંલગ્ન વિષય માટેની હતી પરંતુ પાછળથી ચોક્કસ વિષય માટેની આ જાહેરાત બની ગઈ છે. બાયો સાયન્સમાં બોટનીની ડિગ્રી માગવામાં આવી છે. ફિઝિક્સમાં એપ્લાઇડ ફિઝિક્સને છૂટ આપવામાં આવી છે. અન્ય વિષયમાં આવી છૂટછાટ આપવામાં નથી આવી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application