BREAKING NEWS

ભરતી માટે પરીક્ષાની સૌરાષ્ટ્ર અને ગુજરાત યુનિવર્સિટીની તારીખો એક સાથે જ

  • March 03, 2026 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યભરની સરકારી યુનિવર્સિટીઓમાં ખાલી પડેલી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની જગ્યા ભરવા માટે સરકારે મંજૂરી આપ્યા પછી અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતની આવી સરકારી યુનિવર્સિટીઓમાં ભરતીઓ માટેની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ વર્ગ ૩ ના કર્મચારીઓની ભરતી માટેની ડિસેમ્બર માસમાં જાહેર ખબર આપ્યા પછી હવે આગામી તારીખ 15 અને 29 ના રોજ અલગ અલગ બે દિવસે પરીક્ષા લેવાની જાહેરાત કરી છે.


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માફક ગુજરાત યુનિવર્સિટીમાં પણ મોટા પ્રમાણમાં ખાલી જગ્યાઓ ભરવાની થાય છે અને તેમણે પણ અગાઉ અખબારોમાં જાહેરાતો આપીને અરજીઓ મંગાવ્યા પછી હવે પરીક્ષા તારીખ 15 માર્ચના લેવાશે તેવી જાહેરાત કરી છે. આમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભરતી માટે લેવાનારી પરીક્ષામાં તારીખ 15 માર્ચ બંને યુનિવર્સિટીમાં એક સમાન હોવાથી ઉમેદવારો ગડમથલમાં પડી ગયા છે. આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાવાળાઓ સમક્ષ ઉમેદવારોના સમૂહે રજૂઆત કરી છે અને તારીખ 15 માર્ચ ની પરીક્ષા આગળ પાછળ કરવા માટે લાગણી વ્યક્ત કરી છે.


સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તારીખ 15 અને 29 ના રોજ એમ બે રવિવારે પરીક્ષા લેવાશે. આ માટે ઉમેદવારોને હોલ ટિકિટ ઓનલાઈન મોકલી દેવામાં આવશે. પરીક્ષાની તૈયારીથી માંડી મોટાભાગની પ્રક્રિયા પુરબહારમાં ચાલી રહી છે. બરાબર તેવા સમયે જ બે યુનિવર્સિટીની ભરતી માટેની પરીક્ષાની તારીખો એકસરખી જાહેર થતાં ઉમેદવારો મૂંઝાઈ ગયા છે.


ગુજરાત યુનિવર્સિટીએ 29 માર્ચની પરીક્ષાની કોઈ જાહેરાત કરી નથી તેથી 29ની પરીક્ષામાં આવી કોઈ સમસ્યા ઊભી નહીં થાય. પરંતુ તારીખ 15 ના લેવાનારી પે-લેવલ સેવન કે તેથી નીચેના વર્ગ ત્રણના કર્મચારીઓની પરીક્ષામાં ફેરફાર માટેની માગણીઓ બળવતર બની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application