અમરેલી જિલ્લાને મેઘરાજાએ શિયાળામાં ધબધબાટી બોલાવી દીધી છે. ખાસ કરીને રાજુલામાં 9 ઈંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર તબાદી મચી હોવાના દૃશ્યો સામે આવ્યા છે. પૂરના પાણીમાં ફસાયેલા લોકોનું જેસીબીથી રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જ્યારે ખેતરો ધોવાઈ જતા ખેડૂતોને પડ્યા પર પાટુ પડ્યું છે. નજર જાય ત્યાં સુધી પૂરના પાણી જ નજરે પડી રહ્યા છે. નદીઓ ગાંડીતૂર બનતા નીચાણવાળા વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ગયા છે.

અમરેલી, રાજુલા, જાફરાબાદ પંથકમાં ભારે વરસાદને લઈ કલેક્ટર વિકલ્પ ભારદ્વાજએ જણાવ્યું કે, અલગ-અલગ 3 જગ્યાએ 50થી 100 રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. તમામ લોકોને સુરક્ષિત બહાર બચાવી લેવાયા છે. એક બચાવ કામગીરી માટે રાજુલામાં ફાયરની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

રાજુલા તાલુકામાં ધાતરવાડી નદીમાં પૂરની સ્થિતિને લઈ ઉંચેયા ગામ સંપર્ક વિહોણું થયું છે. ખેતરોમાં પાણી ફરી વળતા 50 જેટલા મજૂરો વાડીમાં ફસાતા હતાં. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય હીરા સોલંકી દોડી આવ્યાં હતાં અને કડસમા પાણીમાં ચાલીને પીપાવાવ મરીન પોલીસ સાથે સ્થળે પહોંચી 50 લોકોનું રેસ્ક્યૂ કરી સુરક્ષિત જગ્યાએ ખસેડ્યાં હતાં.

ભાવનગર જિલ્લા કલેક્ટર મનીષકુમાર બંસલ દ્વારા હવામાન વિભાગની 26થી 28 ઑક્ટોબર વચ્ચેની વરસાદની આગાહી અનુસંધાને ભાવનગરવાસીઓને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. સાથે નાગરિકોને નદી, નાળા અને તળાવ જેવા વિસ્તારોના નજીક ન જવા સૂચના આપવામાં આવી છે.

વંથલી પાકને લઈ ખેડૂતો ચિંતાતૂર
સમગ્ર સૌરાષ્ટ્રમાં જ્યારે ખેડૂતો વર્ષના અંતિમ તબક્કામાં પોતાના પાકને લણવાની તૈયારીમાં હતા, ત્યારે જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં અચાનક અને અનિશ્ચિત સમયે વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ગંભીર ચિંતાનો માહોલ ફેલાઈ ગયો છે. આ કમોસમી વરસાદના કારણે ખેતરોમાં ઊભા પાકને વ્યાપક નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળવાનો ડર છે.


