બાળકોને સ્કૂલવાનમાં મોકલતા વાલીઓ માટે લાલબત્તીરૂપ ઘટના બનાવ પામી છે.શહરેમાં રહેતી ધો.૯ માં અભ્યાસ કરતી ૧૪ વર્ષની તરૂણી પર સ્કૂલવાનચાલકે તેણીને ચોકલેટ આપી ફસાવી પ્રથમ અડપલાં કર્યા બાદ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તેણે વિદ્યાર્થિનીને જો કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જે અંગેની જાણ તેણીની માતાને થતા આ અંગે માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે. પોલીસે દુષ્કર્મ,ધમકી અને પોકસો એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી નરાધમ સ્કૂલવાન ચાલક રમેશ ખરા(ઉ.વ. ૩૩) ને સકંજામાં લીધો હતો. આરોપી ખુદ બે સંતાનોનો પિતા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી છાત્રાઓને સ્કૂલવાનમાં મોકલતા વાલીઓમાં ચિંતા પ્રસરી ગઇ છે.
સગીર વિદ્યાર્થિનીની માતાએ ફરિયાદ નોંધાવી
દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુબજ, શહેરમાં રહેતા ૪૧ વર્ષીય મહિલાએ બનાવ અંગે માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રમેશ કાનાભાઇ ખરા(ઉ.વ. ૩૩ રહે. લોધિકા) નું નામ આપ્યું છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ શહેરમાં એક શાળામાં પટ્ટાવાળા તરીકે નોકરી કરે છે તેમના પતિનું છ વર્ષ પહેલા અવસાન થયું છે. સંતાનમા એક દીકરી અને એક દીકરો છે. જેમા સૌથી મોટો દીકરો (ઉ.વ. ૧૭) વર્ષનો છે. બાદ દીકરી (ઉ.વ. ૧૪) છે જે હાલમા ધોરણ ૯માં અભ્યાસ કરે છે. મહિલાએ વધુમાં જણાવ્યું છે કે, દીકરી ગુમસુમ રહેતી હોય જેથી આ બાબતે દીકરીને પુછતા તેણીએ કહ્યું કે, સ્કુલવેનવાળા રમેશભાઇ મને અવાર નવાર ચોકલેટ આપતા હતા અને તેઓએ મારા ગયા બર્થ ડેમાં ચોકલેટ પણ આપી હતી.
હું તને ક્યાંયની નહીં રહેવા દઉ
ગઇ તા.૧૭/૦૧/૨૦૨૬ ના રોજ મારે પરીક્ષા ચાલતી હોય જેથી બપોરના આસરે એકાદ વાગ્યાની આસપાસ હું રમેશભાઇની વેનમા સ્કુલે ગયેલ હતી ત્યારે રમેશભાઇએ મને કહેલ કે તું સ્કુલેથી છુટીને સ્કુલની પાસેની સામેની ગલીમા એકલી આવજે બાદ મારી પરીક્ષા પુરી થઇ ગયેલ અને હું સ્કુલની પાસે જ ઉભી રહેલ અને રમેશભાઇએ કહેલ જગ્યાએ હું ગયેલ નહીં બાદ થોડીવારમા આ રમેશભાઇ મને લેવા માટે સ્કુલે જ આવી ગયા બાદ તેઓએ મને વેનમા બેસાડીને ફીઝીયોથેરાપીવાળી ગલીમા લઇ ગયેલ જ્યા કોઇ લોકોની અવર જવર ઓછી હતી તે વખતે રમેશભાઇ મારા શરીરે હાથ ફેરવવા લાગતા જેથી મેં આમ કરવાની ના પાડેલ તેમ છતા તેઓએ મારા શરીરે અડપલાં કર્યા હતા. અને મને કહેલ કે, તું આજની વાત તારા ઘરે કોઇને કહીશ તો હું તને ક્યાંયની નહીં રહેવા દઉ તેમ કહ્યું હતુ. ત્યાર બાદ સાંજના પાંચ વાગી ગયેલ હોય એટલે તેઓ મને સ્કુલ પાસે લઇ ગયેલા અને ત્યા ધોરણ દસની છોકરીઓ બધી છુટી ગયેલ હોય જેથી મને તે દિવસે ઘરે મૂકી ગયા હતા. વેન વાળા રમેશભાઇએ મને ધમકી આપેલ હોય તેની બીકના કારણે મેં કોઇને વાત કરી ન હતી.
મરજી વિરુધ્ધ ના પાડવા છતા પણ મારી સાથે શરીર સબંધ બાંધ્યો
દીકરીએ વધુમાં કહ્યું હતું કે, ત્યાર બાદ ફરીથી તા.૧૯/૦૧/૨૦૨૬ ના રોજ બપોરના એકાદ વાગ્યાની આસપાસ રમેશભાઇ વેનમાં હું સ્કુલે ગયેલ હતી અને તે દિવસે મારે બપોરના આસરે સાડા ત્રણેક વાગ્યાની આસપાસ પેપર પુરૂ થઇ ગયેલ અને હું સ્કુલના કંમ્પાઉન્ડમા ઉભી હતી ત્યારે સ્કુલવેનવાળા રમેશભાઇ મારી પાસે આવેલ અને મને સ્કુલવેનમા બેસી જવા જણાવેલ. જેથી હું એકલી સ્કુલ વેનમા બેસી ગયેલ બાદ તેઓ મને સૌરાષ્ટ્ર હાઇસ્કુલની પાસેના રોડની સાઇડમા પાર્ક કરી તેઓએ સ્કુલ વેનના કાચમા કાળા કલરની જાળી ચડાવી દઇ બાદ તેઓ ત્યાં મારા શરીરે અડપલા કરવા લાગેલ જેથી મેં આમ કરવાની ના પાડેલ તેમ છતા તેઓ મને બાથમા લઇ લીધેલ અને વેનના પાછળના ભાગે લઇ ગયેલ અને ત્યા તેઓએ મારી મરજી વિરુધ્ધ ના પાડવા છતા પણ મારી સાથે શરીર સબંધ બાંધ્યો હતો.
આ વાત કોઇને કહીશ તો હું તને જાનથી મારી નાખીશ
બાદ ફરીથી તેઓ મને સ્કુલ પાસે લઇ ગયેલ અને આસરે સાંજના સાડા પાચેક વાગ્યાની આસપાસ સ્કુલની અન્ય છોકરીઓ છુટી ગયેલ અમોને રમેશભાઇ વેનમાં બેસાડીને ઘરે મૂકી ગયેલ હતા. તેઓ મને કહેતા હતા કે આ વાત કોઇને કહીશ તો હું તને જાનથી મારી નાખીશ. આવી વાત દીકરીએ કરતા મહિલા સ્કુલે ગયા હતા અને પ્રીન્સીપાલને મળી બનાવની વાત કરેલ અને ત્યા આ સ્કુલવાનના ચાલકનું પુરૂ નામ રમેશભાઇ કાનાભાઇ ખરા હોવાનુ જાણવા મળેલ બાદ આ બાબતે મહિલાએ માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી રમેશ ખરા સામે દુષ્કર્મ, ધમકી અને પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. પીઆઇ જે.આર.દેસાઇની રાહબરી હેઠળ ટીમે તપાસ હાથ ધરી નરાધમ સ્કૂલવાન ચાલકને સકંજામાં લીધો હતો. આરોપી પોતે બે સંતાનોનો પિતા હોવાનું જાણવા મળ્યું છે.
સ્કૂલવાનમાં બાળકોને મોકલનાર વાલીઓએ અને શાળાઓએ પણ તકેદારી રાખવી જરૂરી
સ્કૂલવાન ચાલક દ્વારા ધો.૯ ની વિદ્યાર્થિની પર દુષ્કર્મની આ ઘટના વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સા સમાન છે. સ્કૂલવાનમાં પોતાની દીકરીઓને મોકલનાર વાલીઓએ દીકરીને સમયાંતરે દીકરીને સ્કૂલવાનચાલકના વ્યવહાર અંગે પુછતું રહેવું જોઇએ. આ ઉપરાંત શાળાના સંચાલકોએ પણ સ્કૂલવાન ચાલક અંગે યોગ્ય ખરાઇ કરવી જરૂરી છે.