શ્રીલંકામાં વિનાશ વેર્યા પછી, ચક્રવાત દિત્વાહ ભારત તરફ આગળ ધપ્યું છે અને નબળું પડી જવાની શક્યતા અને આગાહી છતાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. અતિ ભારે વરસાદ અને પુરની સંભાવનાને પગલે તમિલનાડુના ત્રણ જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો બંધ કરવામાં આવી છે. શ્રીલંકામાં વિનાશ વેર્યા પછી, ચક્રવાત ભારત તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે ભારતે ઓપરેશન સાગર બંધુ હેઠળ શ્રીલંકામાં રાહત પુરવઠો મોકલ્યો છે. શ્રીલંકામાં અત્યાર સુધીમાં 334 લોકોનાં મોત થયા છે.
ચક્રવાત દિત્વાહને ધ્યાનમાં રાખીને ભારે વરસાદની આગાહીને પગલે, તમિલનાડુના ત્રણ જિલ્લાઓ: ચેન્નાઈ, તિરુવલ્લુર અને કાંચીપુરમમાં શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારે વરસાદ અને પૂરની શક્યતા વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે.લોકોને સાવચેતી રાખવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને રાજ્ય સરકાર અને આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓ દ્વારા જારી કરાયેલી વધુ સલાહનું પાલન કરવાની વિનંતી કરવામાં આવી છે. તમિલનાડુના આપત્તિ વ્યવસ્થાપન મંત્રી કે.કે.એસ.એસ.આર. રામચંદ્રને જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે.
કોલંબોના અમુક વિસ્તારો હજુ પૂરગ્રસ્ત
કોલંબોના કેટલાક ભાગો હજુ પણ પૂરનો સામનો કરી રહ્યા છે. ભારતે ઓપરેશન સાગર બંધુ હેઠળ શ્રીલંકામાં 53 ટન રાહત સામગ્રી મોકલી છે.
શ્રીલંકન વાયુસેના સાથે સંકલનમાં, આઈએનએસ વિક્રાંતના ચેતક હેલિકોપ્ટર અને ભારતીય વાયુસેનાના એમઆઈ-17 હેલિકોપ્ટરે મોટા પાયે બચાવ કામગીરી હાથ ધરી, ગર્ભવતી મહિલાઓ, બાળકો અને ગંભીર રીતે ઘાયલ લોકો સહિત ફસાયેલા લોકોને એરલિફ્ટ કર્યા.