એન્ટાર્કટિકાના વેડેલ સમુદ્રમાં એક અણધારી ઘટનામાં આંતરરાષ્ટ્રીય સંશોધન જહાજ 'પોલાર્સ્ટર્ન'ના ક્રૂ મેમ્બરોએ એક નવો ટાપુ શોધી કાઢ્યો છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, અત્યાર સુધી દરિયાઈ નકશાઓ પર જે સ્થળને અજ્ઞાત ભય ક્ષેત્ર તરીકે ચિહ્નિત કરવામાં આવ્યું હતું અને જ્યાં જહાજોને જવાની મનાઈ હતી, ત્યાં હવે ખડક જેવી મજબૂત જમીન મળી આવી છે. 93 સભ્યોના આ આંતરરાષ્ટ્રીય ક્રૂ માટે આ શોધ કોઈ ચમત્કારથી ઓછી નથી.
આ ટાપુની શોધ કોઈ પૂર્વ આયોજિત મિશનનો ભાગ નહોતી. હકીકતમાં, જ્યારે સંશોધન જહાજ એન્ટાર્કટિકાના પ્રવાસે હતું, ત્યારે અચાનક એક ભયંકર દરિયાઈ વાવાઝોડું ત્રાટક્યું હતું. જહાજને સુરક્ષિત રાખવા માટે કેપ્ટને જોઈનવિલે ટાપુ નજીક આશ્રય લેવાનો નિર્ણય કર્યો. આ પ્રતિકૂળ સંજોગોમાં જ્યારે વાતાવરણ થોડું શાંત થયું, ત્યારે ક્રૂની નજર બરફ વચ્ચે દેખાતા એક અલગ જ ભૂભાગ પર પડી, જે અત્યાર સુધી દુનિયાની નજરોથી છુપાયેલો હતો.
પ્રારંભિક માપણી મુજબ, આ નવો ટાપુ સમુદ્ર સપાટીથી લગભગ 50 ફૂટ ઊંચો છે. તેની પહોળાઈ 165 ફૂટ અને લંબાઈ 426 ફૂટ જેટલી છે. જ્યારે આ ટાપુ પહેલીવાર દેખાયો ત્યારે વૈજ્ઞાનિકોને લાગ્યું કે તેનું કદ ઇજિપ્તના ગીઝાના પ્રચંડ પિરામિડ જેટલું વિશાળ હશે. જોકે, નજીક જઈને તપાસ કરતા તેના વાસ્તવિક પરિમાણો સામે આવ્યા હતા. આ ટાપુ સંપૂર્ણપણે બરફની ચાદરથી ઢંકાયેલો છે, જે તેને આસપાસના વાતાવરણમાં ભેળવી દે છે.
આધુનિક સેટેલાઇટ અને જીપીએસ સિસ્ટમ હોવા છતાં આ ટાપુ અત્યાર સુધી કેમ ન દેખાયો, તે વૈજ્ઞાનિકો માટે મોટો કોયડો છે. નેવિગેશન નકશાઓમાં આ ટાપુનું સ્થાન તેના વાસ્તવિક લોકેશનથી લગભગ એક માઇલ દૂર બતાવવામાં આવતું હતું. તે આખેઆખો બરફથી ઢંકાયેલો હોવાને કારણે સેટેલાઇટ તસવીરોમાં તે સામાન્ય 'તરતા આઇસબર્ગ' (બરફની શિલા) જેવો જ દેખાતો હતો. આ ભ્રમને કારણે જહાજો તેને જોખમી બરફ સમજીને તેનાથી દૂર રહેતા હતા.
શરૂઆતમાં કેટલાક લોકોએ તેને માત્ર એક 'ગંદો આઇસબર્ગ' માની લીધો હતો, પરંતુ જ્યારે જહાજની ટીમે નજીક જઈને નિરીક્ષણ કર્યું ત્યારે સત્ય બહાર આવ્યું. આ માત્ર બરફનો ટુકડો નથી, પરંતુ સમુદ્રના તળિયેથી જોડાયેલો એક મજબૂત ખડક છે. આ શોધ એ સાબિત કરે છે કે પૃથ્વીના ધ્રુવીય પ્રદેશોમાં હજુ પણ એવા કેટલાય રહસ્યો છે જે માનવીય નકશાઓમાં અંકિત થયા નથી. આગામી સમયમાં આ ટાપુ પર વધુ સંશોધનો કરવામાં આવશે.