BREAKING NEWS

રાજકોટ શહેર ભાજપની નવી ટીમ માટે કમલમમાં સેન્સ પ્રક્રિયા શરૂ, મહામંત્રી પદ માટે ભારે ખેંચતાણ

  • November 05, 2025 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સંગઠન સંરચના અંતર્ગત રાજકોટ અને રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદેદારો નિયુક્ત કરવા માટેની પ્રક્રિયા આગળ ધપી છે. રાજકોટ રાજકોટ જિલ્લાના નવા હોદેદારો નિયુક્ત કરવા ભાજપ આગામી તા.૭ નવેમ્બરને શુક્રવારે સેન્સ લેશે જેમાં પ્રદેશ નિરીક્ષક તરીકે દિનેશભાઇ પ્રજાપતિ અને ઋચિતભાઇ ભટ્ટ આવશે. રાજકોટ શહેરની તુલનાએ જિલ્લા ભાજપમાં વધુ ખેંચતાણ છે. જુના જોગીઓ અને નવા ગ્રુપ વચ્ચે ટક્કર ચાલી રહી છે.


ત્રણ ત્રણ નામોની પેનલ તૈયાર થશે જે ગુપ્ત રખાશે

રાજકોટ જિલ્લા ભાજપ સંગઠનના હોદેદારોની નિયુક્તિ માટે આવતીકાલે સેન્સ લેવા આવનાર પ્રદેશ નિરીક્ષકો પ્રભારી, ધારાસભ્યો, સાંસદો, પદાધિકારીઓ, રાજકોટ જિલ્લા સ્થિત રાજ્ય અને કેન્દ્રના પૂર્વ મંત્રીઓ, પ્રદેશ હોદેદારો, શહેર પ્રમુખ તેમજ પૂર્વ શહેર પ્રમુખ સહિતના અપેક્ષિતોને જ સાંભળશે. ત્યારબાદ ત્રણ ત્રણ નામોની પેનલ તૈયાર થશે જે ગુપ્ત રખાશે. આ પેનલના નામો નિરીક્ષકો પ્રદેશ અધ્યક્ષને સોંપશે.


આ બાબત સર્વત્ર ચર્ચાનો વિષય બની

પ્રદેશ ભાજપના નિરીક્ષકો સેન્સ લેવા માટે આવે તે પૂર્વેથી જ એવી ચર્ચા છે કે આ વખતે તમામ શહેરો અને જિલ્લાઓના સંગઠન માળખામાં યુવાનોનો પ્રાધાન્ય પૂર્વક સમાવેશ કરાશે. ખાસ કરીને પંચાવનથી ૬૦ વર્ષની વય સુધીનાઓનો જ સમાવેશ કરવા નિર્ણય થયો હોવાની વાત પણ સામે આવી રહી છે, અલબત્ત વય મર્યાદા સુનિશ્ચિત કરાયાની વાતને પાર્ટીના વર્તુળો સમર્થન આપતા નથી પરંતુ આ બાબત સર્વત્ર ચર્ચાનો વિષય બની છે.


ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ

જગદીશ વિશ્વકર્માએ હવે પક્ષના હોદ્દેદારોની નિમણૂંકમાં પણ પારદર્શિતા જળવાય રહે તે માટે પ્રયાસો હાથ ધર્યાં છે જેના ભાગરુપે હવે શહેર-જિલ્લા પ્રમુખો પોતાની રીતે પોતાની ટીમ બનાવી શકશે નહીં. રાજ્યના તમામ શહેર અને જિલ્લા સંગઠનમાં સેન્સના આધારે હોદ્દેદારોને નિમણૂક અપાશે તે નક્કી છે.રાજકોટ શહેર અને જિલ્લા સહિત રાજ્યભરમાં ૮૨ પ્રદેશ નિરીક્ષકો આવતીકાલથી સેન્સ લેશે. વફાદારો અને પાયાના કાર્યકરોને પસંદગીમાં પ્રાથમિકતા અપાશે તે નક્કી છે.


હવે આ વાત ભૂતકાળ બની 

નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ચાર્જ સંભાળ્યા બાદ પક્ષની પધ્ધતિઓમાં ફેરફાર કર્યાં છે જેમાં મુખ્યત્વે હવે શહેર કે જિલ્લા પ્રમુખ પોતાની રીતે સંગઠનમાં હોદ્દેદાર નિયુક્ત કરી શકશે નહીં. હાલ સુધી એવી રાજકીય પ્રણાલી હતી કે, શહેર અને જિલ્લા પ્રમુખો પોતાના નજીકના કાર્યકરો કે આગેવાનોને સંગઠનમાં હોદા ઉપર નિયુક્ત કરતા હતાં. હવે આ વાત ભૂતકાળ બની છે.


જિલ્લાની પેનલો તૈયાર કરીને પ્રદેશ અધ્યક્ષને સોંપાશે

રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લા ભાજપ સંગઠનમાં નિમણૂંકો માટે કાર્યવાહી શરૂ કરાઇ છે ત્યારે ભાજપે સમગ્ર રાજ્યમાં કુલ ૮૨ નિરીક્ષકો નિમ્યાં છે. આ નિરીક્ષકો દરેક જિલ્લા અને મહાનગરોમાં પ્રદેશના નિરીક્ષકો પહોંચી સેન્સ લઇ રહ્યાં છે. તા.૧૦ નવેમ્બર સુધીમાં સમગ્ર રાજ્યમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થશે. શહેર અને જિલ્લા મહામંત્રી, ઉપાધ્યક્ષ, મંત્રી અને ઉપરાંત કોષાધ્યક્ષ સહિતના હોદેદારો માટે ત્રણ- ત્રણ નામોની પેનલ બનાવવામાં આવશે. તમામ શહેર અને જિલ્લાની પેનલો તૈયાર કરીને પ્રદેશ અધ્યક્ષને સોંપાશે.


જિલ્લા પ્રમુખોની સ્વતંત્રતા અને પ્રભાવમાં મોટો કાપ આવશે

ઉપરોક્ત પ્રકારે સંગઠનના હોદેદારોની નિયુક્તિ કરવાથી શહેર અને જિલ્લા પ્રમુખોની સ્વતંત્રતા અને પ્રભાવમાં મોટો કાપ આવશે. જો કે આ પ્રયોગ ગુજરાતમાં સફળ થશે તો વિશ્વકર્મા પેટર્નનો રાષ્ટ્રીય કક્ષાએ પણ અમલ થઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ટર્મમાં તત્કાલિન પ્રદેશ અધ્યક્ષએ શરૂ કરાવેલી પેઇજ પ્રમુખની પધ્ધતિ ખુબ સફળ રહેતા દેશના અન્ય રાજ્યોમાં તેનો અમલ કરાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application