BREAKING NEWS

રાજકોટ જિલ્લા ભાજપના નવા હોદેદારો માટે સેન્સ પ્રક્રિયા શરૂ: દાવેદારોનો રાફડો

  • November 07, 2025 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સંગઠન સંરચના અંતર્ગત રાજકોટ અને રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવા હોદેદારો નિયુક્ત કરવા માટેની પ્રક્રિયા આગળ ધપી છે. રાજકોટ રાજકોટ જિલ્લાના નવા હોદેદારો નિયુક્ત કરવા માટે સેન્સ લેવા આજે પ્રદેશ ભાજપના નિરીક્ષક દિનેશભાઇ પ્રજાપતિ અને ઋચિતભાઇ ભટ્ટ રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતા. રાજકોટ શહેર ભાજપની તુલનાએ રાજકોટ જિલ્લા ભાજપમાં વધુ ખેંચતાણ છે અને દાવેદારોનો રાફડો ફાટ્યો છે.

ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ હવે પક્ષના હોદ્દેદારોની નિમણૂંકમાં પણ પારદર્શિતા જળવાય રહે તે માટે પ્રયાસો હાથ ધર્યાં છે જેના ભાગરુપે હવે શહેર-જિલ્લા પ્રમુખો પોતાની રીતે પોતાની ટીમ બનાવી શકશે નહીં. રાજ્યના તમામ શહેર અને જિલ્લા સંગઠનમાં સેન્સના આધારે હોદ્દેદારોને નિમણૂક અપાશે તે નક્કી છે.રાજકોટ શહેર અને જિલ્લા સહિત રાજ્યભરમાં ૮૨ પ્રદેશ નિરીક્ષકો હાલ સેન્સ લઇ રહ્યા છે.વફાદારો અને પાયાના કાર્યકરોને પસંદગીમાં પ્રાથમિકતા અપાશે તે નક્કી છે.

નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ચાર્જ સંભાળ્યા બાદ પક્ષની પધ્ધતિઓમાં ફેરફાર કર્યાં છે જેમાં મુખ્યત્વે હવે શહેર કે જિલ્લા પ્રમુખ પોતાની રીતે સંગઠનમાં હોદ્દેદાર નિયુક્ત કરી શકશે નહીં. હાલ સુધી એવી રાજકીય પ્રણાલી હતી કે, શહેર અને જિલ્લા પ્રમુખો પોતાના નજીકના કાર્યકરો કે આગેવાનોને સંગઠનમાં હોદા ઉપર નિયુક્ત કરતા હતાં. હવે આ વાત ભૂતકાળ બની છે.

રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લા ભાજપ સંગઠનમાં નિમણૂંકો માટે કાર્યવાહી શરૂ કરાઇ છે ત્યારે ભાજપે સમગ્ર રાજ્યમાં કુલ ૮૨ નિરીક્ષકો નિમ્યાં છે. આ નિરીક્ષકો દરેક જિલ્લા અને મહાનગરોમાં પ્રદેશના નિરીક્ષકો પહોંચી સેન્સ લઇ રહ્યાં છે. તા.૧૦ નવેમ્બર સુધીમાં સમગ્ર રાજ્યમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થશે. તમામ શહેર અને જિલ્લાની પેનલો તૈયાર કરીને પ્રદેશ અધ્યક્ષને સોંપાશે. ઉપરોક્ત પ્રકારે સંગઠનના હોદેદારોની નિયુક્તિ કરવાથી શહેર અને જિલ્લા પ્રમુખોની સ્વતંત્રતા અને પ્રભાવમાં મોટો કાપ આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application